Western Times News

Gujarati News

AMTS “દેવું કરીને કોન્ટ્રાકટરને ઘી પીવડાવશે”

File photo

લોકડાઉનના ૭૬ દિવસ બંધ સામે ૧૮૦ દિવસની ફી મુક્તિ આપવાની દરખાસ્ત

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: “દેવું કરીને ઘી પીવાય” તેવી કહેવત આપણા વડવાઓ કહેતા હતા પરંતુ એએમટીએસના અધિકારીઓએ તેમાં સુધારો કર્યો છે તથા તેઓ “દેવુ કરીને ઘી પીવડાવી” રહયા છે. શહેરની જાહેર પરિવહન સેવા એએમટીએસ દેવા ના ડુંગર તળે દબાયેલી છે તેમ છતાં કોન્ટ્રાકટરોને ફાયદો થાય તે માટે સંસ્થાના કેટલાક અધિકારીઓ તત્પર છે. કોરોના કાળમાં ખાનગી ઓપરેટરોને બંધ રહેલ સમયગાળાનું પેમેન્ટ આપ્યા બાદ હવે જાહેરાત એજન્સીને ફી માફી કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે જેના કારણે કોન્ટ્રાકટરને અંદાજે રૂા.દસ કરોડનો ફાયદો થશે જયારે સંસ્થા તેટલી જ રકમનું નવું દેવું કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દૈનિક રૂા.એક કરોડની લોન પર નિર્ભર એએમટીએસને વધુ દેવાદાર બનાવવા માટે કેટલાક અધિકારીઓ તત્પર બન્યા છે. કોરોનાના કારણે કેન્દ્ર સરકારે માર્ચ- ર૦ર૦માં લોકડાઉન જાહેર કર્યુ હતું જે ૧ જુન થી અનલોક કરવામાં આવ્યું હતું. લોકડાઉનના પગલે એએમટીએસની સેવાઓ ૭૬ દિવસ સંપુર્ણપણે બંધ રહી હતી ત્યારબાદ ક્રમશઃ શરૂ કરવામાં આવી હતી.

એએમટીએસ દ્વારા લોકડાઉન દરમ્યાન બંધ રહેલી બસો પેટે ખાનગી ઓપરેટરોને ૩૦ ટકા રકમ ચુકવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. પ્રથમ અને બીજી લહેરની ગણત્રી કરીને ખાનગી ઓપરેટરોને અંદાજે રૂા.૧૮ કરોડ ચુકવવામાં આવ્યા છે જેને ટેન્ડર શરતનો ભાગ ગણવામાં આવી રહયો છે. પરંતુ બસ શેલ્ટર્સ પર જાહેરાતનો કોન્ટ્રાકટ પરવાનો જે સંસ્થાને આપવામાં આવ્યો છે

તેની ઉપર પણ અધિકારીઓ મન મુકીને વરસી રહયા છે. સુત્રોએ જણાવ્યા મુજબ એએમટીએસના કુલ ૭૭૪ નાના-મોટા બસ શેલ્ટર્સ પર જાહેરાત માટે હેત ગ્રાફીકસને ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, જેમાં પ્રથમ વરસે રૂા.૧ર.૧૦ કરોડ તથા દર વરસે દસ ટકા વધારાની શરત રાખવામાં આવી હતી. હેત ગ્રાફીક્સની પરવાના મુદત ઓગષ્ટ- ર૦ર૧માં પુર્ણ થાય છે

તેથી સંસ્થાના અધિકારીઓ તેને લાભ કરાવવા ઉતાવાળ બન્યા છે. પ્રથમ લહેર દરમ્યાન ૭૬ દિવસ બસો બંધ રહી હતી પરંતુ સંસ્થાના કેટલાક કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ દ્વારા હેત ગ્રાફીકસને ૧૮૦ દિવસની પરવાના ફી માફ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેની રકમ રૂા.૬ કરોડ થાય છે જયારે સપ્ટેમ્બર- ર૦ર૦થી ઓગસ્ટ- ર૦ર૧ સુધી ૩૦૪ શેલ્ટર પર કોરોનાની જાહેરાતના બોર્ડ લગાવવામાં આવ્યા હોવાથી ૩૦૪ શેલ્ટર્સની ફી પણ માફ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી છે જેની રકમ રૂા.૪.૭પ કરોડ થાય છે. આમ કોન્ટ્રાકટરે પ્રથમ વરસે જે પરવાના ફી ભરપાઈ કરી છે તે રકમ તેને પરત અપાવવા માટે સંસ્થાના અધિકારીઓ ઉતાવળા બન્યા છે.

અહીં વિચારવા લાયક બાબત એ છે કે લોકડાઉનના ૭૬ દિવસ દરમ્યાન બસો બંધ રહી હતી તથા નાગરીકોની અવરજવર બંધ હતી અહીં પ્રશ્ન એ છે છે કે આ સમયગાળા દરમ્યાન હેત ગ્રાફીકસ દ્વારા ૭૭૪ શેલ્ટર્સ પરથી હોડીગ્ઝ ઉતારી લેવામાં આવ્યા હતા ? જાે હોડીગ્ઝ યથાવત રહયા હોય તો હેત ગ્રાફીકસે તેના ગ્રાહકોની ફી માફી કરી હશે ? લોકડાઉનના ૭૬ દિવસ બાદ જનજીવન રાબેતા મુજબ શરૂ થયુ હતુ તો પછી વધુ ૧૦૪ દિવસ માટે પરવાના ફી માંથી મુક્તિ શા માટે ? આ પ્રશ્નના જવાબ ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા માંગવામાં આવશે કે કેમ ?

તે બાબત જાેવી રસપ્રદ રહેશે. ચોંકાવનાીર બાબત એ છે કે ર૦૧૮થી ર૦૧૯ સુધી પરવાના ફી ભર્યા બાદ શરત મુજબ દસ ટકાનો વધારો પણ કરવામાં આવ્યો નથી મતલબ કે લોકડાઉન પહેલાના સમયગાળા દરમ્યાનનો વધારો પણ માફ કરવામાં આવ્યો છે. દૈનિક રૂા.૯૦ લાખની ખોટ અને મ્યુનિ. કોર્પોરેશનની રૂા.એક કરોડની લોન સાથે દોડતી બસના અધિકારીઓ આ નિર્ણયને “હેપ્પી સ્ટ્રીટ”ના ઠરાવ સાથે સરખાવી રહયા છે. તેમને જુની કહેવત યાદ કરાવો કે “લાંબો જાેડે ટુકો જાય મરે નહીં તો માંદો થાય”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.