Western Times News

Gujarati News

વીજળીના કારણે UPમાં ૩૭, રાજસ્થાનમાં ૧૮નાં જીવ ગયા

Files Photo

જયપુર: ઉત્તર ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આકાશમાંથી વીજળી પડતા તેની ઝપેટમાં આવી જવાથી ૫૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં હજુ પણ લોકો ચાતક નજરે ચોમાસાની રાહ જાેઈ રહ્યા છે. વરસાદ દરમિયાન આકાશમાંથી વીજળી પડતા ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જિલ્લાઓમાં ૩૭ લોકોના મોત થયા છે. જ્યારે વીજળીની ઝપેટમાં આવી જવાથી બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝ્‌યા છે.

પ્રયાગરાજમાં વીજળી પડવાથી ૨ માસૂમ બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા. જ્યારે આઠ પશુઓ પણ તેની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યા. જ્યારે કાનપુર ગ્રામીણમાં ૨ મહિલાઓ સહિત ૫ લોકોના મોત થયા. ૩ ગંભીર રીતે ઘાયલ થયા. આ ઉપરાંત ફિરોઝાબાદમાં ૩ અને કૌશાંબીમાં ૨ લોકોના મોત થયા. જ્યારે મિરઝાપુરમાં એક બાળકનું મોત થયું. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશમાંથી વીજળી પડતા તેની ઝપેટમાં આવીને મૃત્યુ પામેલા લોકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ સાથે જ જિલ્લા પ્રશાસને ઘાયલોને યોગ્ય સારવારનો આદેશ આપ્યો છે.

રાજસ્થાનના જયપુર, ઝાલાવાડ અને ધૌલપુર જિલ્લાઓમાં રવિવારે વીજળી પડતા અલગ અલગ ઘટનાઓમાં સાત બાળકો સહિત ૧૮ લોકોના મોત થયા છે. રાજ્યના અલગ અલગ ગામડાઓમાં ઘટેલી ઘટનાઓમાં છ બાળકો સહિત ૨૧ લોકો ઘાયલ પણ થયા છે. જયપુરમાં આમેર કિલ્લા પાસે આકાશમાંથી વીજળી પડતા ૧૧ લોકોના મોત થયા. જ્યારે આઠ અન્ય લોકો ઘાયલ થયા. ઝાલાવાડ જિલ્લાના ગરડા ગામમાં વીજળી પડવાથી એક ઝાડ નીચે પોતાના પશુઓ સાથે ઊભેલા ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે ૫ લોકો ઘાયલ થયા.

ઘટનામાં એક ગાય અને ૧૦ જેટલી બકરીઓ પણ મોતને ભેટી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આકાશમાંથી વીજળી પડતા થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે કોટા, ધૌલપુર, ઝાલાવાડ, જયપુર અને બારામાં વીજળી પડવાથી થયેલી જાનહાનિ ખુબ જ દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રભાવિતોના પરિજનો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પીડિત પરિવારોને તરત સહાયતા ઉપલબ્ધ કરાવે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ દુખ વ્યક્ત કરતા લોકોને જાનમાલની સુરક્ષા માટે સાવધાની અને સતર્કતા વર્તવાની અપીલ પણ કરી છે.

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસીની કાગડોળે વાટ જાેવાઈ રહી છે. આઈએમડીએ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ૧૦ જુલાઈ સુધીમાં આવવાનું હતું પરંતુ રવિવાર સાંજ સુધી એવું બન્યું નથી. આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે દિલ્હીની ઉપર ચોમાસુ સક્રિય થવાની અનુકૂળ પરિસ્થિતિઓ છે. કારણ કે પૂર્વી પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને સોમવારે સારો વરસાદ પડે તેની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.