Western Times News

Gujarati News

તમામ વેરિયન્ટ સામે રક્ષણ આપતી ગરમ વેક્સિન

Files Photo

બેંગલુરુ: આઈઆઈએસસીના વૈજ્ઞાનિકો અને બાયોટેક ફર્મ માયનવેક્સ દ્વારા વિકસાવાયેલા ગરમ વેક્સિન ફોર્મ્યુલેશન દ્વારા કોરોનાના તમામ વેરિયંટ સામે રક્ષણ આપતા એન્ટિબોડી સર્જાતા હોવાનું એક રિસર્ચમાં સાબિત થયું છે. ઓસ્ટ્રેલિયાની સીએસઆઈઆરઓ દ્વારા આ ફોર્મ્યુલેશનનો અભ્યાસ કરાયો હતો, જેમાં આ વિગતો બહાર આવી હતી. આ અભ્યાસમાં બહાર આવેલા તથ્યો એસીએસ ઈન્ફેક્ટિયસ ડિસિસ જર્નલમાં પ્રસિદ્ધ થયા છે, અને હવે આ ફોર્મ્યુલેશનનું હ્યુમન ટ્રાયલ પણ શરુ થવાનો માર્ગ મોકળો થયો છે. આ સ્ટડીને આઈઆઈએસસીના પ્રો. રાઘવન વરદરાજનની આગેવાનીમાં કરાયો હતો, જેનો અહેવાલ સૌપ્રથમવાર નવેમ્બર ૨૦૨૦માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રસિદ્ધ થયો હતો. રિસર્ચ પેપરમાં જણાવાયેલી વિગતો અનુસાર, આ ફોર્મ્યુલેશનનો ઉંદરો પર પ્રયોગ કરાયો હતો. જેમાં જાેવા મળ્યું હતું કે તેનો ડોઝ જે ઉંદરોને અપાયો હતો તેમનામાં વાયરસ સામે લડવાની શક્તિ સર્જાઈ હતી.

કોરોનાની મોટાભાગની વેક્સિનને ખૂબ જ ઠંડા તાપમાન પર રાખવી પડતી હોય છે. જેમ કે, ઓક્સફોર્ડની વેક્સિન જે ભારતમાં કોવિશિલ્ડના નામે ઉપલબ્ધ છે તેને ૨-૮ ડિગ્રી ટેમ્પ્રેચર પર રાખવાની હોય છે, જ્યારે ફાઈઝરને માઈનસ ૭૦ ડિગ્રી તાપમાને સ્ટોર કરવી પડે છે. જ્યારે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવાયેલા ફોર્મ્યુલેશનને ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર એક મહિના સુધી રાખી શકાય છે, અને ૧૦૦ ડિગ્રી સેલ્સિયસમાં તે ૯૦ મિનિટ સુધી વાપરવા લાયક રહે છે.

આઈઆઈએસસી-મેનવેક્સએ સાર્સ-કોવ-૨ વાયરસના એસ-પ્રોટિનના ડોમેઈનના જિનેટિલી એન્જિનિયરિંગ દ્વારા આ ફોર્મ્યુલેશન વિકસાવ્યું છે, જેને રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન (આરબીડી) કહેવામાં આવે છે. જે માણસના શ્વસનતંત્રમાં ટાર્ગેટ સેલ્સની સરફેસ સાથે જાેડાઈ જાય છે, અને તેના લીધે જ વાયરસ શરીરમાં પ્રવેશીને ચેપ પ્રસરાવતો હોય છે. વાયરસનું એસ-પ્રોટિન ૧૩૦૦ એમિનો એસિડ્‌સ લાંબુ હોય છે પરંતુ વેક્સિનમાં માત્ર ૨૦૦ એમિનો એસિડ પર જ ધ્યાન અપાય છે.

આ ફોર્મ્યુલેશનના બીજા અને ત્રીજા સ્ટેજના ટ્રાયલ માટે વરદરાજને સરકાર પાસે ફંડની માગણી કરી છે. હાલ તેમને ૩૦ કરોડના ફંડની જરુર છે. તેમણે જણાવ્યું હતું કે આ ફોર્મ્યુલેશન કોરોનાના અલગ-અલગ વેરિયંટનો ખાત્મો બોલાવી શકે છે તે રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.