Western Times News

Gujarati News

મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ અને મેલેરિયાને અટકાવીએ

વર્ષાઋતુ દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જાેવા મળતું હોય છે. ખાસ કરીને મચ્છરોના ઉપદ્રવથી મેલેરિયા ફેલાતો હોય છે, ત્યારે આ મેલેરિયાને કાબૂમાં રાખવા માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરૂરી થઇ પડે છે. આ મચ્છરજન્ય રોગોથી બચવા માટે આપણે કેટલીક તકેદારી રાખવી જરૂરી થઇ પડે છે.

આ મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે આ સમયગાળા દરમિયાન આપણે આટલું અવશ્ય કરીએ કે, પીવાના તેમજ ઘર વપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્ત ઢાંકણા અથવા જાડા કપડાંથી બંધ રાખીએ, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરીએ તથા ફુલદાન, કુલર, સિમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી જ ઉપયોગમાં લઇએ

અને ચુસ્ત ઢાંકણથી બંધ રાખીએ, બંધિયાર પાણીના ખાડા-ખાબાચિયાનો નિકાલ કરીએ, તેમાં બળેલ ઓઇલનો છંટકાવ કરીએ, બંધ પડેલી ગટરોની સાફ-સફાઇ કરાવી ચાલુ કરાવવી. આજુબાજુમાં ઉગલું ઘાસ કઢાવવું તથા ડસ્ટીંગ કરાવવું આમ કરીને મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો.

આ ઉપરાંત શૌચાલય-બાથરૂમની વેન્ટ પાઇપો પર પાતળા આછા કપડાંથી બંધ કરવી, શહેર કે આજુબાજુના વિસ્તારોમાં મકાન બાંધકામની કામગીરી ચાલતી હોય કે બંધ હોય ત્યારે બનાવેલ પાણીની કુંડીમાં મચ્છર ઉત્પન્ન થાય નહિ તે માટે કોન્ટ્રાકટર પાસે કાળજી લેવડાવવી.

પાણીના સ્થળો પર પોરા/લાર્વાઓનો નાશ કરવો. પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક માછલી મૂકવી અને ઘરમાં રોજ સવાર-સાંજ લીમડા અને લીલા ઘાસનો ધુમાડો કરી બારી-બારણાં ત્રીસ મિનિટ બંધ રાખીએ જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકીએ.

મચ્છરથી બચવા દવાયુકત મચ્છરદાનીનો ઉપયોગ કરીએ, રીપેલેન્ટનો ઉપયોગ કરીએ, સંધ્યા સમયેથી જ બારી-બારણાં બંધ રાખીએ અને શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા તેમજ ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ચોમાસા દરમિયાન તાવ આવે તો તુરતજ નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવી લેવી.

જાે આપણે, આટલું કરીશું તો ચકકસ આ સમય દરમિયાન મચ્છરની ઉત્પતિ અને મેલેરિયા ઉપર નિયંત્રણ મેળવી શકીશું તેટલું જ નહીં પણ મેલેરિયાને ફેલાતો અટકાવી શકીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.