Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલ મોંઘાં થતાં ટ્રાન્સપોર્ટર્સે ભાડાંમાં ૨૦ ટકાનો ભાવવધારો કર્યો

અમદાવાદ: છેલ્લા ત્રણ માસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂપિયા ૯૬.૮૧ સુધી પહોંચ્યો છે. ત્યારે હવે શહેરના ૧૨૦૦ ટ્રાન્સપોર્ટરોએ પોતાનાં ભાડામાં ૧૫થી ૨૦ ટકાનો વધારો કર્યો છે. ટ્રાન્સપોર્ટરોએ કરેલા ભાવ વધારાનો બોજ ઇન્ડસ્ટ્રી હાલમાં સહન કરી શકે તેમ ન હોવાથી ઇન્ડસ્ટ્રી વધેલા ભાવ આપી રહી નથી, જેના કારણે ટ્રાન્સ્પોર્ટેશન વ્યવસાયની હાલત કફોડી બની છે. રો-મટીરિયલના ભાવમાં પણ અસહ્ય વધારો થયો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં હાલ વધારો કરવો બધાના માટે શકય નથી.

ભાડામાં ભાવ વધારાને કારણે ખાદ્ય પદાર્થો, શાકભાજી, ફળફળાદી વધુ મોંઘાં બનશે. જાેકે ઇન્ડસ્ટ્રી ટ્રાન્સપોટરોને વધેલા ભાવ આપવા તૈયાર નથી. રો મટીરિયલમાં થયેલા ભાવ વધારા અને લેબરમાં થયેલા વધારાને કારણે કામ-ધંધા પણ ઓછા મળી રહ્યા છે. આ અંગે અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હિતેન વસંતે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર બાદ સતત અઢી માસ કરતાં વધારે સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કમરતોડ વધારો થયો છે, જેના કારણે પરિવહન અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓની હાલત કફોડી બની રહી છે.

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે શહેરભરના ટ્રાન્સપોર્ટરોએ તેમના ભાડામાં ૧૫થી ૨૦ ટકાનો વધારો કર્યો છે, પરંતુ હાલમાં ઇન્ડસ્ટ્રી આ ભાવમાં પણ ભાવ-તાલ કરાવી રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન વ્યવસાયની હાલત કફોડી બની ગઈ છે. ડીઝલની એક્સાઇઝ ડ્યૂટી લિટરે રૂ.૪થી વધીને ૨૪ જેટલી થઈ છે. કોરોના પછી ડિમાન્ડ વધી છે, પણ ૧૫ ટકા જેટલા ભાવ વધારાને કારણે બજારમાં માલ દુકાન સુધી પહોંચવો મુશ્કેલ છે. સરકારે ડ્યૂટી ઘટાડીને વધેલી મોંઘવારીમાં રાહત આપવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.