Western Times News

Gujarati News

ચીનમાં ડેલ્ટા વેરિયન્ટથી ફફડાટ, લોકોને ઘરમાં રહેવા આદેશ

બેજિંગ: આખી દુનિયામાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું મનાય છે તેવા ચીનના વુહાનમાં આ વાયરસે ફરી દેખા દેતા સત્તાધીશો દોડતા થઈ ગયા છે. મંગળવારે વુહાનના વરિષ્ઠ અધિકારી લી તાઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તંત્ર દ્વારા વુહાનમાં રહેતા તમામ ૧.૧૦ કરોડ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલમાં જ વુહાનમાં એક વર્ષના લાંબા ગાળા બાદ લોકલ ઈન્ફેક્શનનો પહેલો કેસ જાેવા મળ્યો હતો. વુહાનના વરિષ્ઠ અધિકારીઓનું માનીએ તો સોમવારે લોકલ ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનના સાત નવા કેસ મળ્યા હતા, તમામ દર્દીઓ માઈગ્રન્ટ કામદારો છે. વુહાનમાં ૨૦૨૦માં કોરોના ફાટી નીકળતા આખાય પ્રાંતમાં જડબેસલાક લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું, અને થોડા વખતમાં જ અહીં વાયરસ કાબૂમાં આવી ગયો હતો.

જાેકે, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તે પ્રસરી ચૂક્યો હતો અને તેણે મહામારીનું સ્વરુપ ધારણ કરી લીધું હતું. ચીનના અન્ય ભાગોમાં પણ કોરોનાના કેસો જાેવા મળતા લોકોને ઘરમાં જ રહેવા અને પ્રવાસ ના કરવા કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ચીને મોટાપાયે માસ ટેસ્ટિંગ પણ શરુ કર્યું છે. સમગ્ર ચીનમાં મંગળવારે ૬૧ નવા કેસ નોંધાયા હતા. કોરોનાનો ખૂબ જ ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિયન્ટ ચીનના કેટલાક શહેરો સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં જ નાનજિંગ એરપોર્ટના સફાઈ કામદારોમાં નવા વેરિયંટનો ચેપ જાેવા મળ્યો હતો અને હવે આખા ચીનમાં આ પ્રકારના કેસ જાેવા મળી રહ્યા છે. બેજિંગ સહિતના શહેરોમાં આજકાલ લાખો લોકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારોને કોર્ડન કરવામાં આવી રહ્યું છે

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. સોમવારે ૪૦ નવા કેસ મળતા પૂર્વ ચીનના નાનજિંગ નજીકના યાંગઝોઉ શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી દેવાઈ છે. ૧.૩ કરોડની વસ્તી ધરાવતા યાંગઝોઉમાં એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિને જીવનજરુરિયાતની ચીજવસ્તુ માટે બહાર નીકળવાની છૂટ છે. સેન્ટ્રલ ચીનના હુનાન પ્રાંતના ટુરિસ્ટ પ્લેસ ઝાંગજિઆજિએ અને તેની નજીકના ઝુંગઝોઉમાં પણ આ જ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. આ બંને શહેરોની વસ્તી ૨૦ લાખ જેટલી થવા જાય છે. ગયા મહિને જ નાનજિંગ એરપોર્ટના કોરોનાગ્રસ્ત કર્મચારીઓએ ઝાંગજિઆજિએમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેનાથી આ વાયરસનો ચેપ બીજા લોકોને પણ લાગ્યો હતો.

ત્યારથી જ તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે, અને લોકોને પણ જે વિસ્તારોમાં કેસ જાેવા મળ્યા છે ત્યાં ના જવા જણાવાઈ રહ્યું છે. ચીનમાં ૧૫ જુલાઈથી લઈને અત્યારસુધી ૪૦૦ નવા કેસ સામે આવી ચૂક્યા છે. બેજિંગમાં પણ ટુરિસ્ટની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. લોકોને પણ કામ સિવાય ઘરની બહાર ના નીકળવા જણાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, ચીને ૨૦૨૦માં લોખંડી નિયંત્રણો લાદીને ગણતરીના સમયમાં કોરોનાના કેસોને ઝીરો પર લાવી દીધા હતા. ત્યારબાદ મહિનાઓ સુધી દેશમાં કોઈ નવા કેસ નહોતા નોંધાયા અને અર્થતંત્ર પણ પાટે ચઢી ગયું હતું. જાેકે, હવે સ્થિતિ ફરી ના વણસે તે માટે સરકાર અત્યારથી જ આકરા પગલાં ભરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.