Western Times News

Gujarati News

માયાભાઇ, અનુભા ગઢવી અને જય વસાવડાએ એવોર્ડ પરત કરતાં ચકચાર

સ્વામિનારાયણ સંપ્રદાયે આપેલ એવોર્ડ કલાકારોએ પરત કર્યા

અમદાવાદ,  નિલકંઠવર્ણી વિવાદ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો અને તાજેતરના સમાધાન બાદ આ વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ મોરારિ બાપુના સમર્થનમાં હાસ્ય કલાકાર માયાભાઇ આહિરે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો ત્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી મળેલો રત્નાકર એવોર્ડ માયાભાઇએ પરત કરી દીધો છે. આ સાથે કટાર લેખક જય વસાવડાએ પણ પોતાને મળેલો એવોર્ડ પરત કર્યો છે.

તો, અનુભા ગઢવીએ પણ એવોર્ડ પરત કરી દેતાં હવે કલાકારો અને સાહિત્યજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે. આમ સાહિત્યકારો, પત્રકારો, લેખકો, કલાકારોને એવોર્ડ આપીને ખુશ કરવાની જે પરંપરા છેલ્લા એક દાયકાથી શરૂ થઈ છે, તેનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું ચિત્ર આજે સામે આવ્યું હતું.

માયાભાઇ આહિરે જણાવ્યું હતું કે, એક બગસરાના સ્વામી વિવેક સ્વામીનું નિવેદન સાંભળ્યું હતું કે કલાકારોને મેં જાણી જોઇને નથી કહ્યું પરંતુ આ સાધુના મોઢે સારૂ ન લાગે સ્વામી. તમે જાહેરમાં કલાકાર માટે નિવેદન આપ્યું છે તે તમે જુઠુ બોલોમાં પાછું તમારે કલાકાર પ્રત્યે ભાવ હોય તો સરધારમાં અમે કલાકારોને રત્નાકર તરીકે સન્માન કર્યું. પરંતુ ગણ માટે ગવાય નહીં. અમે આ રત્નાકર એવોર્ડ પરત કરીએ છીએ.

જય વસાવડાએ ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, પ્રિય મોરારિબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાય અને નીલકંઠ વિવાદ બાબતે મારે જે કહેવાનું હતું એ તો સ્પષ્ટ ઓલમોસ્ટ અઠવાડિયા અગાઉ જ કહ્યું છે. પહેલ કરીએ કે એમાં બાપુ સાચા છે. કાલકૂટ વિષ પીને પણ એને પેટમાં નાખી પોતાના ભીતર નુકસાન ન થવા દે, બહાર કાઢી જગતને નુકસાન ન થવા દે એમ ધારણ કરવાથી જેનું ગળું ભૂરું થયું એ શબ્દશઃ બધા બાપના બાપ એવા ભોળાનાથ દાદા નીલકંઠ. સમુદ્રમંથનની એ સિમ્બોલિક કથા વિશ્વવ્યાપી છે.

થાઈલેન્ડના સ્વર્ણભૂમિ એરપોર્ટ પર પણ એનું ભવ્ય શિલ્પ છે. વાત તરીકે એ સદીઓ જૂની છે અને નીલકંઠ શબ્દ સાથે મૂળ આસ્થા સનાતન ગણાતા ભારતની શિવ માટે જ હોય, જેનો તદ્દન મફ્‌તમાં ઘરની ટબૂડીમાં જળ ભરીનેય ગમે ત્યારે કોઈ પણ શિવમંદિરે જેણે શ્રદ્ધા હોય એ અભિષેક કરે એ પરંપરા પણ પ્રાચીન છે. બાપુ એમની સહજ હળવાશ સાથે, એમની સ્પેસમાં એ ભારતીય દર્શનમાં આદિઅનાદિ રૂપે સહુના બાપ ગણાતા, સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ રુદ્ર રૂપે નિરુપિત સનાતન મહાદેવ બાબતે જ આસ્થા દ્રઢ કરે તો એમાં કશું જ ખોટું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.