Western Times News

Gujarati News

નાગરિકોને ઘરે બેઠા શહેરી સુવિધા માટે “ઇ-નગર” મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરાઈ

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના અન્વયે શહેરી જન સુખાકારી દિવસના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

રાજ્યના ૮  મહાનગરો માં ૩૯૩૯ કરોડના ૧૧૬ વિકાસકામો ૧૫૬ નગરપાલિકા વિસ્તારો માં ૧૦૬૧ કરોડના ૩૫૫ કામોના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ- ખાતમુહુર્ત સંપન્ન

·         ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અન્વયે  મંજૂર કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે સત્તામંડળમાં સમાવિષ્ટ હોય તેવા પાર્કની  હવે થી ૪૦ ટકાને  બદલે ૨૫ ટકા કપાત કરાશે

·         ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપર્સને ૧૫ ટકા ઓછી કપાત આપવાની રહેશે:  આવા વિસ્તારમાં વધુ વિકાસ થઇ શકશે

·         ૧૫ ટકા કપાત થતી જમીન પર ગ્રીન કવર પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન,રમત મેદાન, EWS આવાસો, મિલ્ક ડેરી,  રેસ્ટોરન્ટ જેવા જાહેર હેતુ ઉપયોગ માટે તેને સત્તા મંડળ નિર્દીષ્ટ કરી શકશે

·         નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ અને બહુચરાજી શહેરના ડીપીના ફાઇનલ નોટીફિકેશન મંજૂર

·         રાજ્યમાં કોઈપણ શહેરનો વિકાસ નકશો ફાઇનલ નોટીફિકેશન માટે પેન્ડિંગ નથી

·         રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અકલ્પનીય ગતિએ પારદર્શિતાથી ૪૨૫ થી વધુ ટીપી સ્કીમ મંજૂર કરી

·         મુખ્યમંત્રીશ્રીનું નગરો-મહાનગરોના તંત્ર વાહકોને આહવાન- તાકાત હોય એટલા વિકાસ કામો કરો નાણાંની સુવિધા સરકાર પૂરી પાડશે

·         અમે સત્તા મળ્યા નો વટ નહીં- વિનમ્રતા અને જનસેવાની જનહિતની પ્રતિબદ્ધતા સાથે પ્રજા  સરકાર  વચ્ચે ખાઈ નહીં   લોકોની પોતીકી સરકારની પ્રતીતિ કરાવી-

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી જન સુખાકારી દિન અન્વયે  રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અંતર્ગત ૫૦૦૧  કરોડના ૪૭૧ જેટલા વિકાસ કામોની ભેટ રાજ્યની જનતા જનાર્દનને અર્પણ ધરી હતી .

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યવ્યાપી જનસેવા કામોનું યજ્ઞનું અનુષ્ઠાન આદર્યું છે.

આ અનુષ્ઠાનના આજે આઠમા દિવસે શહેરી જન સુખાકારી દિવસમાં રાજ્યભરમાં ૪૧ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં એકસાથે ૩૮૩૯.૯૪ કરોડના ૨૪૭  કામોના ખાતમુહૂર્ત અને ૧૧૬૧.૧૮ કરોડના ૨૨૪ કામોના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે , આ પ્રજાહિતના વિકાસ કામો અમે જનતા જનાર્દને અમને સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી. સાફ નિયત, નેક નીતિ થી કરી રહ્યા છીએ.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ,સરકારો ચૂંટાયા પછી સત્તાના મદમાં આવી જતી હોય તેવું ભૂતકાળના વર્ષો સુધીના શાસનનોમાં જનતાએ જોયુ છે.

અમે સત્તા નો મદ કે – સત્તા મળ્યા નો વટ નહી પરંતુ વિનમ્રતા ,જનસેવાની પ્રતિબદ્ધતા સાથે સમર્પિત ભાવે કામ કરનારા લોકો છીએ. સરકાર અને પ્રજા વચ્ચે ખાઈ નહીં પણ સંવાદનો સેતુ પ્રસ્થાપિત કરી જન-જનને પોતીકી સરકારની પ્રતીતિ અમે કરાવી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, પ્રજા વર્ગો, સમાજ,માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિત દરેક વ્યક્તિને આપણી સરકારની અનુભૂતિ થાય તેવી સંવેદના સાથે અનેક ફટાફટ નિર્ણય કરીને જનભાગીદારીથી ચાલતાં સુશાસનની પ્રણાલીને  દેશનું મોડલ બનાવી છે.  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં નગરો મહાનગરોનો વિકાસ સમયબદ્ધ આયોજન બદ્ધ અને ઝડપી પારદર્શિતા સાથે થઈ રહ્યો છે તેની છણાવટ કરતા નગરો મહાનગરોના તંત્ર વાહકોને આહવાન કર્યું કે, તાકાત હોય એટલા વિકાસકામો કરો નાણાંની જરૂરિયાત રાજ્ય સરકાર પૂર્ણ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી જનસુખાકારી દિવસે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી .

તેમણે આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે વધુ રોજગારી નિર્માણ થાય અને આર્થિક સમૃદ્ધિ વધે તેવા બહુવિધ વિકાસ અભિગમ ને કેન્દ્ર સ્થાને રાખી આપણે આ ક્રાંતિકારી નિર્ણય કર્યા છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે વધુમાં જાહેર કર્યું કે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે મંજૂર કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે સત્તા મંડળ માં સમાવિષ્ટ હોય તેવા પાર્કને હવે થી ૪૦ ટકાને બદલે ૨૫ ટકા કપાત કરવામાં આવશે .

આના પરિણામે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ને પંદર ટકા ઓછી કપાત આપવાની થશે. અને આ વિસ્તારમાં વધુ વિકાસ થઇ શકશે. મુખ્યમંત્રીશ્રીએ આ ક્રાંતિકારી નિર્ણય અંગે એમ પણ જણાવ્યું કે, આવી ૧૫ ટકા કપાત વાળી  જમીન ઉપર ગ્રીન કવર, ગ્રીન પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન, પ્લે  ગ્રાઉન્ડ, માર્કેટ, મિલ્ક ડેરી, રિક્રિએશન,રેસ્ટોરન્ટ ,આર્થિક રીતે નબળા વર્ગના લોકો ના આવાસ માટે કે તેવા જાહેર હેતુ માટે જરૂરિયાત મુજબ સત્તામંડળ નિર્દિષ્ટ કરી શકશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ અને બેચરાજી શહેર ના વિકાસ નકશા ના ફાઇનલ નોટીફિકેશન ને મંજૂરી આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે આ વેળાએ ગૌરવ સહ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૫૦ થી વધુ ટી.પી. સ્કીમ  સંપૂર્ણ પારદર્શિતાથી  મંજૂર કરી છે ,એટલું જ નહીં એક પણ શહેરનો વિકાસ નકશો ફાઇનલ નોટીફિકેશન માટે પેન્ડિંગ નથી.

મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યના નગરોમાં સીટીઝન સેન્ટ્રિક સેવાઓ નાગરિકોને સરળતા એ ઘરે બેઠા મળી શકે તે માટે ડિજિટલ ક્રાંતિ ના વિનિયોગ થી “ઇ- નગર” મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.

આ અવસરે સંબોધન કરતા  ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતે શહેરી વિકાસના ક્ષેત્રમાં અનેક અનેક આયામો સર કર્યા છે, તેનો શ્રેય   હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આ તબક્કે 2008 માં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા શહેરી વિકાસ વર્ષનો ઉલ્લેખ કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરો ‘લિવેબલ અને લવેબલ’ બન્યા છે અને દેશમાં થઈ રહેલા સર્વેમાં મોખરે રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, “ઇઝ ઓફ લિવિંગ”ની સૂચિમાં  ભારતના 10 શહેરમાંથી ગુજરાતના 3 શહેર સ્થાન પામ્યા છે.

ગૃહરાજ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં સુશાસન માટે રાજ્ય સરકારે પસાર કરેલા વિવિધ કાનુનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે ગુંડા નાબુદી ધારો,લવ જેહાદ, ગૌવંશ અને ગૌહત્યા પર પ્રતિબંધ વગેરે કાનુન દ્વારા રાજ્યમાં શાંતિ અને સલામતી કાયમ કરી છે.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયરશ્રી કિરીટ ભાઈ પરમાર ઉપરાંત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઈ ભંડેરી, સાંસદ શ્રી કિરીટ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ મેયર શ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રી,શહેરી વિકાસ વિભાગ  સચિવશ્રી મુકેશ પૂરી, સચિવ શ્રી લોચન શહેરા,અમદાવાદ કમિશનર શ્રી મુકેશ કુમાર,ગાંધીનગરના કમિશનર શ્રી ધવલ પટેલ, મ્યુનસિપાલિટી કમિશનરશ્રી બેનીવાલ, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે તેમ જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.