Western Times News

Gujarati News

પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યુ

Files Photo

વાઘોડિયા: ટીંબી ગામના પ્રેમી પંખીડાએ કેનાલમાં ધસમસતા પાણીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યુ છે. એક જ ગામનાં વિભા ઉર્ફે ગૌરી અને જયદીપ એકબીજાનાં પ્રેમમાં હતા પરંતુ તેમની સગાઈ અન્ય જગ્યાએ થઇ હોવાને કારણે બંનેને લાગતું હતું કે, તેઓનો પરિવાર તેમની વાત નહીં સાંભળે અને અન્ય જગ્યાએ પરણાવી દેશે. જેના કારણે એકબીજા સાથે જીવવાના કોલ આપેલા પ્રેમીઓ એકસાથે મોતને વ્હાલુ કર્યું છે. હજી આ લોકોના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યાં નથી, ફાયર બ્રિગેડનાં જવાનો તેમની શોધખોળ કરી રહ્યાં છે. યુવક યુવતીના આ આખરી પગલા બાદ બંને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૧૯ વર્ષીય વિભા ઉર્ફે ગૌરી શામળભાઈ ગોહિલ તથા ૨૧ વર્ષીય જયદીપભાઇ બુદ્ધિસાગર ગોહિલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ પરિવાર અને સમાજ તેમના સંબંધને સ્વીકારશે નહિ એમ માનીને બંને પ્રેમી-પંખીડાંએ ભાગીને મરવાનું પસંદ કર્યું છે. જયદીપ બાઈક પર બેસાડી વિભા ઉર્ફે ગૌરીને ગત રોજ લઈ ગયો હતો. બંનેએ પોતાની પાસે આધારકાર્ડ, નવાં કપડાં, મંગળસૂત્ર, સિંદુર રાખ્યા હતા. પ્રેમીએ પોતાની પાસેના સિંદૂરથી પ્રેમિકાનો સેંથો પૂર્યો હતો. ગળામાં મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. જે બાદ બંનેએ મોબાઇલમાં સેલ્ફી લઇ લીધી હતી.

જે બાદ આ પ્રેમી પંખીડા ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતુ. બંને યુવક યુવતીએ પોતાનો સામાન, મોબાઈલ, કપડાંની થેલી, પર્સ બધું જ કેનાલ પાસે પાર્ક કરેલી બાઈકની પાસે મૂક્યું હતું. કેનાલમાંથી મૃતદેહ ન મળતાં પાણીના પ્રવાહને જાેતા આ પ્રેમી-પંખીડાંના મૃતદેહ પંચમહાલની હદમાં તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ આખરી પગલા બાદ નાનકડું ગામ પણ હિબકે ચઢ્યું છે. નોંધનીય છે કે, જયદીપનો પરિવાર તેની સગાઈ વાઘોડિયાના અંબાલી ગામે કરી હતી. બીજી બાજુ વિભા ઉર્ફે ગૌરીની સગાઈ શેરખી (સિંધરોટ) ગામમાં કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.