Western Times News

Gujarati News

સ્વતંત્રતા દિવસની શ્રીનગરમાં ૧૦૦ ફૂટ ઉંચો તિરંગો ફરકાવવામાં આવ્યો

શ્રીનગર, સ્વતંત્રતા દિવસ પર જમ્મુ -કાશ્મીરમાં પ્રથમ વખત મોટો બદલાવ થયો છે. આ વખતે શ્રીનગરના મધ્યમાં હરિ પ્રભાત ટેકરી પર ૧૦૦ ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજની લંબાઈ ૩૬ ફૂટ અને પહોળાઈ ૨૪ ફૂટ હતી. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશની તમામ ઇમારતો અને શાળાઓમાં પણ પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

ધ્વજવંદન બાદ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. પંચાયતના સભ્યોએ પોતપોતાના મતવિસ્તારમાં પણ તિરંગો ફરકાવ્યો હતો. આ સિવાય શહેરભરમાં ધ્વજ લગાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ડાલ સરોવર વિસ્તારને ધ્વજથી શણગારવામાં આવ્યો હતો. સ્વતંત્રતા દિવસ પહેલા શ્રીનગરના લાલ ચોકનો ઘડિયાળ ટાવર (ઘંટા ઘર) તિરંગાના રંગોમાં રંગવામાં આવ્યો હતો.

અહીં કલમ ૩૭૦ હટાવ્યાની પહેલા માત્ર જિલ્લા મથકો અને કેટલાક પસંદ કરેલા વિસ્તારોમાં ધ્વજવંદન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે સ્વતંત્રતા દિવસના ઘણા સમય પહેલા તમામ જિલ્લાઓમાં ભવ્ય કાર્યક્રમ યોજવાનો ર્નિણય લીધો હતો.

મુખ્ય કાર્યક્રમ શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયો હતો. તેની અધ્યક્ષતા ઉપરાજયપાલ ગવર્નર મનોજ સિંહાએ કરી હતી. સ્ટેડિયમમાં સુરક્ષા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષાને ઘણા તબક્કામાં વહેંચવામાં આવી હતી. વહીવટીતંત્રે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી સ્ટાફને પોતપોતાના સ્થળોએ તિરંગો ફરકાવવા અને કાર્યક્રમોનું આયોજન કરવા પણ કહ્યું હતું. અહીંની શાળાઓમાં છેલ્લા એક સપ્તાહથી વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

કુપવાડા જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષક બિલાલ અહમદે જણાવ્યું હતું કે અહીં સ્વતંત્રતા દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા કડક કરવામાં આવી હતી. શકમંદો પર નજર રાખી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા માટે ૧૨

ડ્રોન પણ તહેનાત કરવામાં આવ્યા હતા. તેઓએ ખાસ કરીને લાલ ચોક અને સ્ટેડિયમ પર નજર રાખી હતી. આ સિવાય સર્વેલન્સ માટે હેલિકોપ્ટર પણ તહેનાત કરવામાં આવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.