Western Times News

Gujarati News

સાણંદના સમજુનાથ વાદી પાઠ્યશાળા દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સેવાભાવી સંસ્થા દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાથ ધરવામાં આવી હતી.
સાણંદ તાલુકાની વિચરતી વિમુક્ત જાતિના આશરે 70 ઝુંપડાઓમાં વસતા વાદી પરિવારનો ડંગો વીંછિયા ગામની સીમમાં વસવાટ કરે છે.

ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલ આ સમાજ દિવસ દરમ્યાન સાણંદ અને સરખેજ જેવા વિસ્તારમાં પેટિયું રળવા જતા હોય છે. નાના બાળકો ડંગામાં બકરા ચારવા કે ઘરકામ કરતા સમય પસાર કરે છે. આ સમાજના લોકો વચ્ચે જઇને માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા સમજુનાથ વાદી પાઠશાળામાં 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

સતત સ્થળાંતરના કારણે મૂળ શાળામાં આ બાળકો અભ્યાસ કરી શકતા નથી આથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે માનવ સેવાએ અહીં તંબુ શાળા બનાવી અક્ષરજ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો છે. સમાજની મુખ્ય હરોળમાં આ બાળકો આવે એ માટે સેવાભાવી વ્યક્તિઓને લાવી અવાર-નવાર અહીંયા જન્મ દિવસ જેવા પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે . જેથી આ શાળાના બાળકો બહારની દુનિયા સાથે જોડાય.આવા જ ઉમદા હેતુથી આજે ફોર્ડ ઇન્ડિયા લી.ના પ્લાન્ટ હેડ શ્રી અનિલ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

તેઓએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે,આપણા સમાજની સમતુલા જળવાય રહે અને બાળકોને પૂરતું ભોજન અને શિક્ષણ મળે એ આપણી પ્રથમ ફરજ છે. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે જવાબદારી સમાજ અને વાલીઓએ નિભાવવાની રહે છે.

તેઓએ આઝાદીના અમૃત મહોત્સવના પવિત્ર અવસરે સૌ નાગરિકોને ઉત્તમ રાષ્ટ્ર બનાવવામાં સહભાગી બનવા સંકલ્પબધ્ધ કર્યા હતા. આ પાવન પર્વે સાણંદ કેળવણી મંડળના ટ્રસ્ટી કિલ્લોલિની બેન,સંસ્કાર વિદ્યાલયના નિવૃત આચાર્ય શ્રીવાસ્તવ સાહેબ,સંસ્કાર પ્રાથમિક શાળાના નિવૃત આચાર્યા જ્યોત્સનાબેન અને જડીબા કન્યા વિદ્યાલયના આચાર્યા સુમન બેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.