Western Times News

Gujarati News

SBI ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કેડેટ, સબ જુનિયર કેટેગરીમાં અમદાવાદનું પ્રભુત્વ, હિમાંશ ઝળક્યો

ગાંધીધામ, એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના બીજા દિવસે હિમાંશ દહિયા આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો કેમ કે અમદાવાદના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને શુક્રવારે સબ જુનિયર અને કેડેટ બોયઝ ટાઇટલ ઉપરાંત કેડેટ ગર્લ્સ ટાઇટલ પણ જીતી લીધાં હતાં. આ ટુર્નામેન્ટ સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ છે.

આ ચેમ્પિયનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહયોગથી યોજાઈ રહી છે.

આ ચેમ્પિયનશિપ વિનવિન મેરીટાઇમ લિમિટેડ દ્વારા સહ-પ્રાયોજિત છે. જ્યારે ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટીવ બેંક લિમિટેડ (બીએમસીબી), ગાંધીધામ ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) અને સમુદ્ર ગ્રુપ ઓફ કંપનીઝ સહયોગી પ્રાયોજકો છે.

શુક્રવારે અંડર-15 બોયઝ કેટેગરીમાં કેટલાક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા કેમ કે અમદાવાદના બિનક્રમાંકિત ખેલાડી હિમાંશ દહિયાએ મેજર અપસેટ સર્જીને આઠમા ક્રમના હર્ષવર્દન પટેલ (અરાવલ્લી)ને  11-4, 11-2, 11-4, 11-4થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.

યોગાનુયોગે ગુરુવારે પણ હિમાંશ દહિયાએ ક્વાર્ટર ફાઇનલમાં અપસેટ સર્જીને મોખરાના ક્રમના જન્મેજય પટેલ (અરાવલ્લી)ને 11-7, 5-11, 11-7, 11-5થી હરાવ્યો હતો.

અમદાવાદના જ બિનક્રમાંકિત આર્ય કટારિયાએ ત્રીજું સ્થાન હાંસલ કરવા માટે બરોડાના પાંચમા ક્રમના સમર્થ શેખાવત સામે 14-12, 11-9, 12-10થી વિજય હાંસલ કર્યો હતો.

અગાઉ સેમિફાઇનલમાં હર્ષવર્દને સમર્થ શેખાવતને 11-1, 11-7, 12-10, 11-7થી અને બીજી સેમિફાઇનલમાં હિમાંશે આર્ય કટારિયાને 12-10, 8-11, 11-3, 6-11, 11-7, 11-8થી હરાવ્યો હતો.

આર્ય કટારિયાએ ટાઇટલ જીત્યું

જોકે આર્ય કટારિયા ખાલી હાથે પાછો ફર્યો ન હતો કેમ કે આ યુવાને અંડર-13માં ટાઇટલ જીતવા માટે સુરતના સાતમા ક્રમના વિવાન દવેને ફાઇનલમાં 7-11, 11-9, 11-6, 11-4, 11-13, 11-7થી હરાવ્યો હતો.

દરમિયાન બીજા ક્રમના સમર્થે આ  કેટેગરીમાં ત્રીજો ક્રમાંક હાંસલ કરતાં અમદાવાદના માલવ પંચાલ સામે 11-9, 14-12, 7-11, 9-11, 11-5થી વિજય હાંસલ કર્યો હતો.

સેમિફાઇનલમાં કેટલાક અપસેટ સર્જાયા હતા. પાંચમા ક્રમના આર્ય કટારિયાએ માલવને 9-11, 11-4, 6-11, 11-6, 12-10થી તથા વિવાને સમર્થને 12-10, 8-11, 6-11, 11-7, 11-8થી હરાવ્યો હતો.

અંડર-13માં પ્રાથા ચેમ્પિયન

પ્રાથા પવારે અમદાવાદ માટે ટાઇટલની હેટ્રિક સર્જી હતી. મોખરાના ક્રમની પ્રાથાએ તેની જ ટીમની અને બીજો ક્રમાંક ધરાવતી હિયા સિંઘને 11-7, 11-8, 11-6, 11-4થી હરાવીને અંડર-13 કેડેટ ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.

અમદાવાદની જ અને ચોથો ક્રમાંક ધરાવતી જિયા ત્રિવેદીએ તેની જ સાથી અને ત્રીજો ક્રમાંક ધરાવતી મૌબિની ચેટરજીને 11-8, 8-11, 11-8, 4-11, 11-6થી હરાવીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.

અગાઉ સેમિફાઇનલમાં હિયાએ મૌબિનીને 11-8, 11-13, 11-4, 11-3થી તથા પ્રાથા પવારે જિયા ત્રિવેદીને 11-5, 11-9, 11-6થી હરાવી હતી.

સુરત માટે અર્ની પવારે વિજય હાંસલ કર્યો

સુરતની અર્ની પરમારે દિવસ દરમિયાન પ્રાથાને તેનું બીજું ટાઇટલ જીતતા તો અટકાવી હતી પરંતુ સાથે સાથે અમદાવાદના સંપૂર્ણ વર્ચસ્વને પણ અટકાવ્યું હતું. સુરતની બીજા ક્રમની અર્નીએ સબ જુનિયર ગર્લ્સ ટાઇટલ જીતવા માટે તેની બિનક્રમાંકિત હરીફ સામે સંઘર્ષ કરીને 11-7, 11-6, 10-12, 7-11, 11-3, 11-8થી મેચ જીતી હતી.

ભાવનગરની રિયા જયસ્વાલે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેણે નવસારીની સિદ્ધિ બલસારા સામે 11-5, 9-11, 10-12, 11-7, 11-9થી વિજય હાંસલ કર્યો હતો.

અગાઉ સેમિફાઇનલમાં સિદ્ધિ સામે અર્ની પરમારે 11-9, 6-11, 11-4, 11-9, 11-8થી અને રિયા જયસ્વાલ સામે પ્રાથા પવારે 7-11, 11-9, 10-12, 6-11, 12-10, 11-8, 11-9થી વિજય હાંસલ કર્યાં હતાં.

વિજેતા ખેલાડીઓને સીપીએલ ગ્રૂપના ચેરમેન અને કેડીટીટીએના સ્થાપક સભ્ય શ્રી ડી.કે.અગ્રવાલ, જીએસટીટીએના માનદ મંત્રી કુશલ સંગતાણી, અરાવલ્લી ટીટી એસોસિએશનનાં પ્રમુખ રૂજુલ પટેલ, કેડીટીટીએના માનદ મંત્રી  મનીષ હિંગોરાણી વગેરે મહાનુભાવો દ્વારા મેડલ, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

સામેલ ફોટોમાં મહાનુભાવો અને વિજેતાઓ ખેલાડીઓ મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ સાથે નજરે પડે છે.

(1) (ડાબેથી) રાજીવ સીંગ, કમલ આસનાની, હરી પિલ્લઇ, આર્ય કટારીયા, કુશલ સંગતાણી, પ્રાથા પવાર, ડી. કે. અગ્રવાલ, અર્ની પરમાર, હિમાંશ દહિયા, મનીષ હિંગોરાણી, રૂજુલ પટેલ, મહિપાલસિંહ ગોહિલ, ચિંતન ઓઝા

(2)(ડાબેથી)
– રાજીવ સીંગ, કમલ આસનાની, હરી પિલ્લઇ, પ્રાથા પવાર, અર્ની પરમાર, હિમાંશ દહિયા, ડી. કે. અગ્રવાલ, કુશલ સંગતાણી, મનીષ હિંગોરાણી, રૂજુલ પટેલ, મહિપાલસિંહ ગોહિલ, ચિંતન ઓઝા
– રિયા જયસ્વાલ, આર્ય કટારીયા, હર્ષવર્ધન પટેલ, જીયા ત્રિવેદી, હિયા સીંગ, વિવાન દવે, સમર્થ શેખાવત


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.