Western Times News

Gujarati News

પેટલાદમાં ATM તૂટ્યું: ગણતરીની મિનીટોમાં લાખો રૂપિયા ગાયબ

સીસીટીવી – સાયરનના કેબલ કટ
એટીએમ તોડવાનો ગુનો આચરવાના હેતુથી આવેલ શખ્સોએ બેન્ક બહારના સીસીટીવી તથા સાયરનના કેબલ કાપી નાખ્યા હતા. જેથી એટીએમમાં પ્રવેશ કર્યા બાદ પણ સાયરન વાગી નહી હોવાને કારણે ચોરીના ગુનાને શખ્સો અંજામ આપી શક્યા હતા. જાે કે કેટલાક સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હોવાનું જાણવા મળે છે. જેથી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ઉદ્દેલમાં નિષ્ફળ પ્રયાસ
આજરોજ મધરાત્રે આશરે ૩.૩૦ કલાકના સુમારે ખંભાત તાલુકાના ઉદ્દેલ ગામે પણ એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એટીએમની શટર તોડી પ્રવેશ કરતા સાયરન વાગી હતી. જેથી અજાણ્યા ચોરો ભાગી ગયા હતા. આમ ઉદ્દેલમા બેન્ક ઓફ બરોડાના આ એટીએમને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના એક કલાક બાદ પેટલાદના એટીએમને નિશાન બનાવ્યું હતુ.

લક્ઝૂરિયસ કારનો ઉપયોગ
મળતી માહિતી મુજબ પેટલાદના એટીએમ તોડી ચોરી કરવા આવેલ શખ્સો કોઈ લક્ઝૂરિયસ કાર લઈને આવ્યા હતા. આ ગુનાને અંજામ આપવામાં લગભગ ત્રણ થી ચાર શખ્સો સામેલ હોવાનું અનુમાન છે. આ શખ્સો સીસીટીવી, સાયરનના કેબલ તોડવા તથા ગેસ કટરનુ મશીન સાથે લઈને આવ્યા હોવાનું જાણવા મળે છે.

સિક્યોરીટી વિહોણા એટીએમ
પેટલાદ શહેરમાં લગભગ તમામ બેન્કના એટીએમ મુખ્ય રાજમાર્ગો ઉપર આવેલ છે. દિવસ દરમિયાન આ તમામ એટીએમનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે. શહેરમાં આવેલ આ તમામ પૈકી કેટલાક એટીએમ સિક્યોરીટી ગાર્ડ વિહોણા હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. તેમાય મોડી રાત્રીના સમયે આ રાજમાર્ગો ઉપર કોઈ અવરજવર નહી હોવા છતા આવા એટીએમ ઉપર સિક્યોરીટી ગાર્ડ જાેવા મળતા નહી હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન છે.

પેટલાદ, પેટલાદ શહેરની એમજીવીસીએલ કચેરી નજીક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખા આવેલ છે. જેની બાજુમાં એટીએમ પણ કાર્યરત છે. આજરોજ વહેલા પરોઢીયે આ એટીએમને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યું હતુ.

એટીએમ તુટતા શહેરમાં ચકચાક મચી જવા પામી છે. અજાણ્યા ચોરોએ એટીએમમાં પ્રવેશી મશીનની આગળનો ભાગ તોડી ગણતરીની મીનીટોમાં લાખો રૂપિયાની ચોરી કરી છે. આ બનાવના પગલે સવારથી જ પોલીસ કાફલો પહોંચી ગયો છે. આ લખાય છે ત્યા સુધી એટીએમમાંથી કેટલા રૂપિયા ગાયબ થયા તે ચોકક્સ જાણી શકાયુ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ એમજીવીસીએલથી રંગાઈપુરા તરફ જવાના રાજ્ય ધોરી માર્ગ ઉપર ગત ફેબ્રુઆરી ર૦ર૧માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ધર્મજ રોડ શાખા શરૂ થઈ છે. આ બેન્ક શાખાની બાજુમાં એસબીઆઈનું એટીએમ પણ કાર્યરત છે. આ બેન્કની આજુબાજુ લગભગ તમામ રહેણાંક વિસ્તાર આવેલ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આજરોજ વહેલી સવારે આશરે ૪.૩૦ કલાકના સુમારે અજાણ્યા શખ્સોએ આ એટીએમને નિશાન બનાવ્યું હતુ. આ શખ્સોએ એટીએમ ખોલી મશીનને આગળની બાજુએ ગેસ કટરથી કાપ્યું હતુ. ત્યારબાદ મશીનની આગળની બાજુએ થી જ અંદરની રોકડ રકમ ચોરી કરી હતી.

આ અંગેની જાણ બેન્ક મેનેજરે ટાઉન પોલીસને કરતા તાબડતોબ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. સનસનીખેજ આ ચોરીની જાણ એટીએમની જે તે વડોદરા સ્થિત એજન્સિને કરવામાં આવી હતી. જેથી એજન્સિના ચેનલ મેનેજર ગર્વિલ રાજપૂત પેટલાદ ટાઉન પોલીસ મથકે દોડી આવ્યા હતા.

હાલ આ ઘટનાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત આ બનાવ અંગેની તપાસના ચક્રો ગતિમાન થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ આ એટીએમમા એજન્સિ દ્વારા આશરે રૂા.૧૭ લાખ જેટલી રકમ ભરવામાં આવી હોવાનું ચેનલ મેનેજર ગર્વિલ રાજપૂતે જણાવ્યું હતુ.

આ રકમ જ્યારે એટીએમ મશીનમાં ભરવામાં આવી ત્યારે અગાઉની બેલેન્સ રકમ પણ હતી. ત્યારબાદ ગતરોજથી આજે વહેલી સવારે ૪ઃ૩૦ કલાક સુધીમાં ગ્રાહકો દ્વારા કેટલી રકમ એટીએમ દ્વારા ઉપાડવામાં આવી તે બાદ થતા બાકી રહેતી રકમ એટીએમમાંથી ચોરી થઈ હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.