Western Times News

Gujarati News

અમદાવાદના પૂર્વ ઝોનમાં મચ્છરના સૌથી વધુ બ્રીડીંગ મળ્યા

ડેન્ગ્યુ-ચીકનગુનીયાથી રક્ષણ મેળવવા આહનાએ માર્ગદર્શિકા જાહેર કરી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ડેન્ગ્યુ અને ચીકનગુનીયાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ.આરોગ્યવિભાગ દ્વારા ડોર ટુ ડોર સરવે કરવામાં આવી રહ્યો છે. મ્યુનિ.તંત્રના સરવે દરમ્યાન પૂર્વ ઝોનમાં સૌથી વધુ મચ્છરના બ્રીડીંગ મળી આવ્યાં છે. ડેન્ગ્યુ તેમજ ચીકનગુનીયાની ભયાનકતાને ધ્યાનમાં લઈને “આહના”એ પણ ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.

મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ચોમાસા અગાઉ તૈયાર કરવામાં આવતા પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી માત્ર કાગળ પર જ જાેવા મળે છે. વરસાદ અગાઉ મચ્છર નિયંત્રણ કામગીરી શરૂ થાય તે જરૂરી છે. પરંતુ મ્યુનિ.મેલેરીયા ખાતા દ્વારા મચ્છરો અને મચ્છરજન્ય રોગચાળુ બેકાબૂ થયા બાદ ફોગીંગ, દવા છંટકાવ અને સરવેના કામ કરવામાં આવે છે. ચાલુ વરસે પણ ડેન્ગ્યૂ સહિતના મચ્છરજન્ય કેસ બેકાબૂ બન્યા બાદ ડોર ટુ ડોર સરવે શરૂ થયો છે.

મ્યુનિ.સૂત્રોએ જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ૨૭ અને ૨૮ ઓગસ્ટે સરવે કરવામાં આવ્યો હતો. બે દિવસની કામગીરી દ્વારા ૨,૪૬,૩૧૩ મકાનોની મુલાકાત લીધી હતી. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૬૮૮૬૮ મકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી.

જ્યારે મધ્ય ઝોનમાં ૨૯૪૨૦, દક્ષિણ ઝોનમાં ૪૨૯૬૬, દ.પ.ઝોનમાં ૧૦૭૭૦, પૂર્વમાં ૫૦૪૭૦, ઉત્તર ઝોનમાં ૨૩૮૬૪ તથા ઉ.પ.ઝોનમાં ૧૯૯૫૫ ઘરમાં સરવે થયા છે. સરવે કામગીરી દરમ્યાન ૨૨૧૦૬ પાત્રોમાં મચ્છરના બ્રીડીંગ મળ્યા હતા. શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૧૭૬૨૭ સ્થળે મચ્છર બ્રીડીંગ મળ્યા છે. જ્યારે મધ્ય ઝોનમાં ૬૩૦, દક્ષિણ ઝોનમાં ૧૦૧૭, દ.પ.ઝોનમાં ૩૦૪, પશ્ચિમ ઝોનમાં ૧૭૮૯, ઉત્તર ઝોનમાં ૪૨૧ અને ઉ.પ.ઝોનમાં ૩૧૮ સ્થળે મચ્છર બ્રીડીંગ મળી આવ્યા છે.

મચ્છરોની ઉત્પત્તિ તેમજ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે બે દિવસમાં ૯૨૫૧૧ ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી છે. સરવે કામગીરી દરમિયાન ૫૫૬૬૮૭ પાત્રોની ચકાસણી કરવામાં આવી હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સીગ હોમ એસોસીએશન (આહના)એ પણ ડેન્ગ્યુ અને ચીકનગુનીયા સામે રક્ષણ મેળવવા ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. આહનાના જણાવ્યા મુજબ દરેક નાગરીકો એ દર રવિવાર સવારે ૩૦ મીનીટ ફાળવવાની જરૂર છે. આ અડધો કલાક દરમ્યાન તેમના ઘરોની આસપાસ સ્થિર પાણી હોય તેવા સાધનો દૂર કરવામાં આવે તો મચ્છરોની ઉત્પત્તિ નિયંત્રણમાં આવી શકે છે.

ડેન્ગ્યુ અને ચીકનગુનીયા ચેપી રોગ હોવાથી મચ્છરના કરડવાથી વાયરલ ફેલાય છે જે દિવસે પણ ફેલાય છે. ડેન્ગ્યુ અને ચીકનગુનીયાને રોકવા માટે કોઈ રસી નથી. તેનાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ મચ્છરને કરડતા રોકવાનો છે. તેથી મચ્છર નિરોધક વસ્તુઓનો ઉપયોગ કરવો તેમજ લાંબી બાંયના શર્ટ અને પેન્ટ પહેરવા આવશ્યક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.