Western Times News

Gujarati News

કોહલીનો ઈંગ્લેન્ડમાં ફ્લોપ શો, રોહિત શર્મા પાંચમા ક્રમે

દુબઈ, ભારતીય ઓપનર રોહિત શર્માએ આઈસીસી મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સાથીદાર વિરાટ કોહલીને પાછળ છોડીને પાંચમો ક્રમ મેળવ્યો છે. રોહિત આઈસીસી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટોચનો ભારતીય ખેલાડી બન્યો છે.

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં બન્ને ઈનિંગમાં ૧૯ અને ૫૯ રન ફટકારતા ૭૭૩ પોઈન્ટ સાથે તેના રેન્કિંગમાં એક ક્રમનો વધારો થયો હતો. આ અગાઉ ૨૦૧૭માં કોહલી કરતા અન્ય કોઈ ભારતીય બેટ્‌સમેન રેન્કિંગમાં આગળ રહ્યો હોય તો તે ચેતેશ્વર પૂજારા છે. પૂજારા તે વખતે બીજા ક્રમે અને કોહલી પાંચમા ક્રમે રહ્યો હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી તાજેતરની યાદીમાં પૂજારા ત્રણ ક્રમ આગળ વધીને ૧૫માં સ્થાને રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં તેણે બીજી ઈનિંગમાં ૯૧ રન ફટકાર્યા હતા.

આ યાદીમાં ચોથા ભારતીય તરીકે ૧૨માં સ્થાને ઋષભ પંત રહ્યો હતો. ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એક સ્થાન આગળ વધીને નવમાં ક્રમે પહોંચ્યો છે જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા ક્રમે યથાવત્‌ છે. ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર પેટ કમિન્સ ટેસ્ટ બોલર્સની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યો છે.

ટેસ્ટ બેટ્‌સમેનમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન જાે રૂટ છ વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ ક્રમે પહોંચ્યો છે. ભારત સામેની ટેસ્ટ સીરિઝના પ્રારંભે રૂટ પાંચમા સ્થાન હતો પરંતુ ત્રણ ટેસ્ટમાં ૫૦૭ રન કરનાર રૂટ કોહલી, માર્નસ લાબુસ્ચેન્જ, સ્ટીવ સ્મિથ અનેકેન વિલિયમસન કરતા આગળ નિકળી ગયો હતો. લીડ્‌સ ટેસ્ટમાં જાે રૂટે ૧૨૧ રનની ઈનિંગ રમી હતી. છેલ્લે ડિસેમ્બર ૨૦૧૫માં રૂટ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.

ત્યારબાદ કેન વિલિયમસન, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ ટોચનો ક્રમ મેળવવામાં સફળ રહ્યા હતા. આ ચાર ખેલાડીઓ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના એ બી ડી વિલિયર્સે નવેમ્બર ૨૦૧૫માં ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

રવિન્દ્ર જાડેજા તેમજ અશ્વિને ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન જાળવી રાખ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.