Western Times News

Gujarati News

પ્રકાશ હિંદુજાને ૧૦૦૦ કરોડનો ટેક્સ ભરવા આદેશ

નવી દિલ્હી, હિંદુજા સમૂહના પ્રકાશ હિંદુજાને કથિત ટેક્સ ચોરીના એક કેસમાં સ્વિત્ઝરલેન્ડની ફેડરલ કોર્ટમાંથી રાહત નથી મળી. ફેડરલ કોર્ટે જણાવ્યું કે, પ્રકાશ હિંદુજાએ ૧૩.૭ કરોડ ડોલર (આશરે ૧,૦૦૦ કરોડ રૂપિયા)નો ટેક્સ ભરવો પડશે. કોર્ટે તેમની સંપત્તિ ફ્રીઝ કરવાના આદેશને પણ માન્ય જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૭૬ વર્ષીય પ્રકાશ હિંદુજા યુરોપમાં હિંદુજા જૂથના ચેરમેન છે. ગોપીચંદ હિંદુજા, પ્રકાશ હિંદુજા, અશોક હિંદુજા અને એસપી હિંદુજા આ ૪ ભાઈઓ હિંદુજા ગ્રુપના કર્તાહર્તા છે. ફોર્બ્સ મેગેઝીનના અહેવાલ પ્રમાણે ‘હિંદુજા બ્રધર્સ’ની વર્તમાન નેટવર્થ આશરે ૧૫.૪ અબજ ડોલર (આશરે ૧.૧૨ લાખ કરોડ રૂપિયા)ની છે.

સ્વિત્ઝરલેન્ડની સર્વોચ્ય અદાલત (ફેડરલ ટ્રિબ્યુનલ)એ બુધવારે સ્વિસ ટેક્સ ઓથોરિટીના આદેશને સાચો ઠેરવીને પ્રકાશ હિંદુજા પર ૧૩.૭ કરોડ ડોલરનો પાછલા વર્ષનો બાકી ટેક્સ દેણું છે તેમ કહ્યું હતું. આ દેણદારી ૨૦૦૮થી ૨૦૧૭ના વર્ષ દરમિયાનની છે.

પ્રકાશ હિંદુજા પર એવો આરોપ છે કે, તેમણે ટેક્સ બચાવવા માટે પોતાને મોનેકોના નાગરિક ગણાવ્યા હતા અને સંપત્તિની વેલ્યુ પણ ઘટાડીને બતાવી હતી. આ કથિત હેરાફેરી ત્યારે સામે આવી જ્યારે ૩ વર્ષ પહેલા જીનિવાના પ્રોસિક્યુટર્સે માનવ તસ્કરીના એક કથિત કેસમાં તેમના પરિવાર અંગે તપાસ શરૂ કરી. તે કેસ જીનિવા વિલા સાથે સંકળાયેલો હતો જ્યાં પ્રકાશ હિંદુજાનો પરિવાર રહેતો હતો.

તપાસ બાદ પ્રોસિક્યુટર્સે ટેક્સ અધિકારીઓને જણાવ્યું કે, પ્રકાશ હિંદુજા એવો દાવો કરે છે કે, તેઓ ૨૦૦૭ના વર્ષથી જ મોનાકોમાં રહે છે પરંતુ તેઓ હજુ પણ સ્વિત્ઝરલેન્ડમાં વસી રહ્યા છે. તેમણે પોતાની સંપત્તિ ઓછી બતાવી છે અને મોનાકોમાં રહેવાનો દાવો કર્યો જેથી સ્વિત્ઝરલેન્ડમાં તેમને ઓછો ટેક્સ લાગે.

આ વાત સામે આવ્યા બાદ મે ૨૦૧૯માં સ્વિસ ટેક્સ અધિકારીઓએ હિંદુજા આવાસ ખાતે દરોડો પાડ્યો હતો અને તેમની સંપત્તિ ફ્રીઝ કરી દીધી હતી. પ્રકાશ હિંદુજાને ૨૦૦૦ના વર્ષમાં સ્વિત્ઝરલેન્ડની નાગરિકતા મળી હતી. હિંદુજા જૂથ ભારત, બ્રિટન, સ્વિત્ઝરલેન્ડ સહિત વિશ્વના અનેક દેશોમાં ઓટો, આઈટી, બેંક, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર જેવા કારોબારમાં છે અને તેમાં આશરે ૧.૫ લાખ લોકોનો રોજગાર જાેડાયેલો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.