Western Times News

Gujarati News

યુવાઓને નોકરી મળે અને ઉદ્યોગકારોને યોગ્ય ઉમેદવાર મળે તે હેતુથી વેબ પોર્ટલ લોન્ચ થયું

શ્રમ અને રોજગાર વિભાગની વાપી ખાતે અનુબંધમ પોર્ટલ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

વલસાડ, વલસાડ જિલ્લામાં અનુબંધમ પોર્ટલનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય અને વધુમાં વધુ યુવાઓ – નોકરીદાતાઓની નોંધણી થાય તેના માર્ગદર્શન માટે વાપીના વી.આઇ.એ. હોલ ખાતે શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માની અધ્યક્ષસ્થાને જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

અગ્ર સચિવ અંજુ શર્માએ સેમિનારમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુવાઓને નોકરી મળે તે અને ઉદ્યોગકારોને યોગ્ય ઉમેદવાર મળે તે માટે અનુબંધમ પોર્ટલ એકબીજાને ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ પોર્ટલ ઉપર સ્કિલ ધરાવતા ઉમેદવારોને સીધી રીતે પસંદ કરી પોતાની કંપનીમાં નોકરી આપી શકે છે.

વાપીની દરેક એકમો આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી તેમના એકમમાં ભરતી અંગેની માહિતી અપલોડ કરશે તો આ પોર્ટલ વધુ ઉપયોગી બની રહેશે. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ફેક આઈડી બનાવી ન શકે તે માટે નોકરીદાતા અને ઉમેદવારોની યોગ્ય ચકાસણી કરીને જ પોર્ટલ ઉપર વેલીડેટ કરવામાં આવે છે.

પોર્ટલ ઉપર નોકરી ઈચ્છુક ઉમેદવારો પોતાના રજીસ્ટ્રેશન પોતાનો ઘરે બેઠા કરી શકશે અને કંપનીઓ પોતાની સગવડતા પ્રમાણે તેમના એકમમાં ભરતી અંગેની માહિતી અપલોડ કરી શકશે અને પોતે ઇન્ટરવ્યૂ ગોઠવી પોતાને જરૂરી લાયકાતવાળા ઉમેદવારો મેળવી શકશે.

આ માટે ઔદ્યોગિક એકમો સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને તેનો સારો સહયોગ પણ મળ્યો છે. કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવી છે તેમના માટે પણ આ પોર્ટલ લાભદાયી નીવડશે. ઉમેદવારની નોકરી માટે જરૂરી લાયકાત મેચ થશે એમની વિગત સંબંધિત કંપનીઓ દ્વારા શોર્ટલિસ્ટ કરી શકશે, પોર્ટલની શરૂઆતના ૧૫ દિવસમાં જ દશ હજાર જેટલા નોકારીદાતાઓ અને સાંઇઠ હજારની આસપાસ ઉમેદવારની વિગતો આ પોર્ટલ ઉપર આવી ચૂકી છે.

ઉદ્યોગકારોએ રજૂ કરેલા પ્રશ્નો અને સૂચનો સાંભળી અગ્ર સચિવે તેના નિરાકરણ માટે નિયમાનુસાર પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ અનુબંધમ પોર્ટલની જાણકારી માટે વાપીની પ્રથમ પસંદગી કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કામગીરીમાં કુશળતા ધરાવતા ઉમેદવારો આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ થનાર છે, ત્યારે દરેક ઔદ્યોગિક એકમોએ તેમાં રજિસ્ટ્રેશન કરાવવું જાેઈએ.

વલસાડ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અનુબંધમ પોર્ટલના ઉપયોગ અંગે ઔદ્યોગિક એકમોને પડતી મુશ્કેલીના નિવારણ માટે વહીવટીતંત્રની જરૂરી મદદ મળી રહેશે.

રોજગાર અને તાલીમ વિભાગના અધિક નિયામક કિશોર ભિલોડિયાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રોજગાર વિભાગ ઔદ્યોગિક એકમો સાથે જાેડાયેલો છે, ત્યારે તેમની સાથે સીધો સંપર્ક થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રોજગાર વિભાગ ગાંધીનગરના નાયબ નિયામક એમ.આર. સાહનીએ નોકરીદાતા અને રોજગરવાંચ્છુ ઉમેદવારો વચ્ચે ડિજિટલ સેતુ એવા અનુબંધમ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન, નોંધણી પ્રક્રિયા સહિત તમામ પ્રકારની સેવાઓ વિશે તેમજ આસી. નિયામક કે.બી. પટેલે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી. સ્વાગત પ્રવચનમાં વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલે સૌને આવકાર્યા હતા. સુરતના નાયબ નિયામક એમ. સી. વસાવાએ આભારવિધિ આટોપી હતી.

આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા રોજગાર અધિકારી એન.આર.દવે, વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, વી. આઈ.એ. સેક્રેટરી સતિષભાઈ પટેલ, આઈ.ટી.આઈ.ના આચાર્યો, સંબધિત અમલીકરણ અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના માલિકો, પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.