Western Times News

Gujarati News

૨૨૫ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ગ્રીન ઝોન કેમ્પસ બનાવાશે

અમદાવાદ, જીટીયુની ૧૦૦ એકરની જમીનમાં ૨૨૫ કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનુ ગ્રીન ઝોન કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૧થી શરૂ થયેલી કેમ્પસ ડેવલપમેન્ટની પ્રક્રિયા ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં સંપૂર્ણ કેમ્પસ માળખાકીય સવલતોથી સુસજ્જ કરવામાં આવશે. ૩ વર્ષની સમય મર્યાદામાં જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જીટીયુના ગાંધીનગર પાસેના લેકાવાડા સ્થિત કેમ્પસને વૈશ્વિક સ્તરની હાઈટેક માળખાકીય સવલતોથી સુસજ્જ કરવાની કામગીરી ઓગસ્ટથી શરૂ થઈ છે.

શિક્ષણ વિભાગે ફાળવેલ રાજ્ય સરકારની ગ્રાન્ટની મદદથી જીટીયુનું નવુ કેમ્પસ ડેવલપ કરાશે. મહત્તમ જમીન પર વૃક્ષોની વાવણી કરીને ઓક્સિજન વધારવાનો પ્રયાસ કરવામાં આવશે અને ગ્રીન કેમ્પસ બનાવવામાં આવશે. નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે.

જેમાં ૧૭ થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ , ફાર્મસી , મેનેજમેન્ટ , ઉપરાંત એડમીન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર , ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ, અદ્યતન સેન્ટર લાઈબ્રેરી, કુલપતિ અને કુલસચીવના બંગ્લોઝ, ક્લાસ-૨ અને ૩ કેટેગરીના સ્ટાફ ક્વાર્ટઝ, કાફેટેરીયા, ફાર્મસીની રીસર્ચ સંબધીત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે.

ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત ૫૦૦૦થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લિમડો, પીપળો, વડ, બોરસલી, ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત ૨૦૦૦ સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે.

જેમાં અરડૂસી, અશ્વગંધા, આમળા, ગીલોય, જાંબુ વગેરે જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે. ૧૦૦ ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે ૨.૫૦ કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિવિધ ભવનો પર ૧૮૦૦૦ સ્કેવ મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્‌સ અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્‌સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.