Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારી પેઢીઓને કર્તવ્યો, ભાગ્યની યાદ અપાવશે -ડૉ.રાજીવ કુમાર

અખંડ ભારતના  શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની  અતિ વિરાટ  પ્રતિમાના ચરણોમાં  ભાવવંદના કરતાં કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ  ડૉ.રાજીવ કુમાર

રાજપીપલા, કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવ કુમારે  આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.

ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી  અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબેએ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે ડૉ.રાજીવ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.

ત્યારબાદ કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવ કુમારની નર્મદા ડેમની લીધેલી મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જીનીયર શ્રી આર. એમ. પટેલ અને કાર્યપાલક ઇજનેરશ્રી એ.વી.ગજજરે  સ્થળ પર તકનિકી જરૂરી જાણકારી સાથેની વિગતોથી માહિતગાર કર્યા હતાં.

ડૉ.રાજીવ કુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં જણાવ્યું હતું કે,  ભારતને એક સાથે લાવવા અને એક રાષ્ટ્ર બનાવવા માટે ભારત સરદાર સાહેબને કાયમ યાદ રાખશે. ભારત ફરી એક વખત વિશ્વનું નેતૃત્વ કરશે, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, આપણું ભાગ્ય વિશ્વગુરુ બનવાનું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારી પેઢીઓને તેમના કર્તવ્યો, ભાગ્ય અને રાષ્ટ્રીય આકાંક્ષાઓની યાદ અપાવશે.નરેન્દ્ર મોદીજીની પરિકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સ્મૃતિમાં બનાવી છે, જે ભારતને એકજુઠ રાખશે. શ્રી રાજીવકુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુબ પ્રેરણાદાયક જગ્યા ગણાવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,અહીં જે રીતે અને જે વિચારથી અનેક વસ્તુનું નિર્માણ થયું છે, તે ખૂબ સુંદર છે. આરોગ્ય વનમાં અનેક વનસ્પતિઓ એક સાથે છે. તે પહેલાં ક્યારેય જોઈ ન હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પહેલા ન લઈ શક્યો તેનો અફ્સોસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ ઘણી પ્રેરણા મળી છે. દેશ અને વિશ્વને આ સરદાર પટેલની મૂર્તિ એકતાનો સંદેશ આપતી રહેશે.

ઉક્ત મુલાકાત અગાઉ ડૉ.રાજીવ કુમારે આરોગ્ય વનની લીધેલી મુલાકાત દરમિયાન સૂર્ય નમસ્કારની બાર મુફઓથી સુશોભિત પ્રવેશદ્વાર, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ઇન્ડોર પ્લાન્ટ, એરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન અંગેની તેમણે વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી

આ  મુલાકાત દરમિયાન  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારીશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમનાં સંયુક્ત વહિવટી સંચાલકશ્રી રવિ શંકર, સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત નિયામક શ્રી એસ.એસ. સુથાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ. એસ. પાડે,  પ્રોટોકોલના નાયબ કલેકટર શ્રી બી.એ.અસારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.