Western Times News

Gujarati News

પબજી ગેમ રમતી વખતે યુવકે બૂમ પાડી અને મોત થઈ ગયુ

દેવાસ, આજકાલ મોટાભાગના યુવાનો પબજી ગેમના રવાડે ચઢી રહ્યા છે. મોટાભાગના યુવાનો પોતાના ફ્રી ટાઈમમાં કોઈ ઈત્તર પ્રવૃત્તિ કરવાના બદલે ઓનલાઈન ગેમ રમે છે. ક્યારેક પબજી ગેમના કારણે બાળકોનો જીવ ગયો હોવાના અથવા તો બાળકે કોઈ પર જીવલેણ હુમલો કર્યો હોવાના અથવા તો કોઈની હત્યા કરી નાંખી હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.

ત્યારે પબજી ગેમે મધ્ય પ્રદેશના દેવાસમાં ૧૮ વર્ષના યુવકનો જીવ લીધો છે. મૃતક વિદ્યાર્થીનું નામ દીપક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના દેવાસના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા શાંતિનગરની છે. આ વિસ્તારમાં રહેતા અને ધોરણ ૧૧માં ભણતા દીપકે પબજી ગેમ રમતા સમયે અચાનક બૂમ પાડી હતી. બૂમ પાડ્યા બાદ તેનું મોત થઈ ગયુ હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, દીપક એક પગથી દિગ્યાંગ હતો અને તેણે હાલમાં જ ધોરણ ૧૦ પાસ કર્યું હતું. મળતી માહિતી અનુસાર, આ વિદ્યાર્થી દીપક તેના ઘરમાં મોબાઈલમાં પબજી ગેમ રમી રહ્યો હતો ત્યારે તેણે અચાનક જાેરથી બૂમો પાડી અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો. દીપકની બૂમો સાંભળીને પરિવારના સભ્યો તેની પાસે પહોંચ્યા હતા અને દીપકને હોસ્પિટલ લઈ ગયા હતા પણ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું.

ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની પોલીસે મોતના આ મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને દીપકની લાશનો કબ્જાે લઇને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં દીપકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી યુવકનું મોત કયા કારણે થયુ તેની સ્પષ્ટ માહિતી મળી શકશે.

આ ઘટનાને લઇને મૃતક દીપકના સંબંધીઓએ જણાવ્યું કે, દીપક અવાર નવાર પબજી ગેમ રમતો હતો અને છેલ્લા બે દિવસથી તે મોબાઈલમાં વધારે રહેતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દીપકના પરિવારના સભ્યો કોઈ કાર્યક્રમમાં બીજા ગામે ગયો હતો. તેના ઘરે માત્ર માસી અને તેના નાના દીકરાઓ હતા. દીપકનું મોત જે સમયે થયું ત્યારે તેની માસી પણ કોઈ વસ્તુ લેવા માટે ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે શાળા બંધ હોવાના કારણે બાળકોને ઘરે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો. ત્યારે અભ્યાસ બાદ બાળકો મોબાઈલમાં ભણવાનું શીખવાના બદલે ઓનલાઈન ગેમ રમતા હોવાની વાલીઓની ફરિયાદ અવાર નવાર સામે આવતી રહે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.