Western Times News

Gujarati News

રાજીનામું આપ્યા પહેલાં મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની સાથે પાંચ ધાર્મિક સ્થળોમાં દર્શન કર્યા

ગાંધીનગર, મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યાં પહેલાં તેમણે છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યના જાણિતા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે પત્ની સાથે સોમનાથ, અંબાજી અને દ્વારકા સહિતના મંદિરોમાં દર્શન કર્યાં હતાં.

૧૯ જૂને રૂપાણી પત્ની અંજલિબેન સાથે અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કર્યાં હતાં. અંબાજીમાં તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. તેમણે આરતી બાદ ગુજરાતમાં કોરોનાથી જનતા સલામતી માટે પ્રાર્થના કરી હતી.

તે ઉપરાંત ૨૭ જૂને ગીર સોમનાથની મુલાકાત દરમિયાન તેમણે પત્ની સાથે વિશ્વના સૌપ્રથમ શિવલિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતાં.

આ દરમિયાન વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના બે લાખ જેટલા શહેરી જનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયા પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૩૩ એમ.એલ.ડી કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ૨૭ જૂન બાદ ફરીવાર તેમણે ૨૦ ઓગસ્ટે ભગવાન સોમનાથના દર્શન કર્યા હતાં.

૧૦ જુલાઈએ સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન રૂપાણીએ ૧૦મી જુલાઈએ બોટાદના સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે દાદાના દર્શન કર્યા હતા તેમજ મારૂતિ યજ્ઞમાં ભાગ લીધો હતો. સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય અને ગુજરાત કોરોના મુકત બને તેવી દાદાને પાર્થના કરી હતી.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારૂતિ યજ્ઞમાં વિજય રૂપાણીએ હાજરી આપી હતી. યજ્ઞની પુર્ણાહુતીમાં બેસી આરતી ઉતારી હતી. જયારે હનુમાનજી મંદિરના કોઠારી સહિતના સંતો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કર્યુ હતું.

તેમણે ૨૨ જુલાઈએ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચન કર્યા હતા અને ધ્વજા આરોહણનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.

ગુજરાત સહિત દેશ કોરોના મુક્ત બને અને સૌને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે પૂજાવિધિ પોતે કરી હોવાનું રૂપાણી એ આ પ્રસંગે જણાવ્યું હતું. રૂપાણીએ શિવરાજપુર બીચ ખાતે પર્યટક સવલતોના નિર્માણ કાર્ય અને બેટ દ્વારકાને ઓખા સાથે જાેડતા સિગનેચર બ્રિજના બાંધકામની તેમણે સમીક્ષા કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.