Western Times News

Gujarati News

કેનેડાએ દરેક કેટગરી માટે દ્વાર ખોલ્યા, ધસારો વધ્યો

અમદાવાદ, કોરોનાના કારણે ઘણા લાંબા સમયથી ભારત સહિત દુનિયાભરના મોટાભાગના દેશોએ વિદેશી પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું પાટિયું લગાવી દીધું હતું. હજુ પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સંપૂર્ણપણે શરૂ થઈ નથી. માત્ર સ્ટુડન્ટ અને પીઆર વિઝાધારકોને એન્ટ્રી આપતાં કેનેડાએ તમામ કેટેગરીના વિઝાધારકો માટે એન્ટ્રી ઓપન કરતાં કેનેડા જવા માટેનો ધસારો ખૂબ વધી ગયો છે. જે લોકોના બાળકો કે પરિવારના સભ્યો કેનેડા હતા અથવા જેમનો બિઝનેસ કેનેડામાં છે તેમણે ત્યાં જવા માટે સામાન બાંધી લીધો છે.

હજી ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ ચાલુ ન થઈ હોવાથી મુસાફરોને અન્ય દેશોમાં થઈને કેનેડા જવું પડી રહ્યું છે. જાે કોરોનાનું પ્રમાણ વધે નહીં તો આગામી દિવસોમાં ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ ઓપરેટ થશે તેમ ટૂર ઓપરેટરો અને વિઝા કન્સલ્ટન્ટ્‌સનું માનવું છે.

ભારતમાંથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જાય છે. મોટા પ્રમાણમાં લોકો ફરવા અને ધંધાર્થે પણ કેનેડા જતા હોય છે. દેશમાંથી ઘણા બધા લોકોએ કેનેડાના પી.આર. વિઝા પણ મેળવી લીધા છે. ભારત અને કેનેડા વચ્ચેની ફ્લાઈટ હંમેશા ફુલ જતી હતી ત્યારે જ કોરોનાની પરિસ્થિતિને કારણે દુનિયાભરના દેશોમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને ઈન્ટરનેશનલ મુસાફરો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

દોઢેક વર્ષ સુધી પ્રતિબંધ રહ્યા બાદ થોડા સમયથી કેનેડા સરકારે ભણવા માટે જતા વિદ્યાર્થીઓ અને પીઆર વિઝાધારકો માટે એન્ટ્રી શરૂ કરી હતી. ભારતથી સીધી કેનેડાની ફ્લાઈટ શરૂ કરવામાં આવી નથી જેને પગલે વિદ્યાર્થીઓને વાયા મસ્કત, તુર્કી, માલદીવ્સ અથવા બીજા દેશમાંથી થઈને કેનેડા જવું પડી રહ્યું છે. થોડા સમય પહેલા જ દુબઈમાં ભારતીયોની એન્ટ્રી શરૂ થતાં હવે કેનેડા જતાં વિદ્યાર્થીઓ વાયા દુબઈ થઈને જાય છે માટે ભાડું સસ્તુ પડી રહ્યું છે.

કેનેડાની એન્ટ્રી બંધ હોવાને કારણે જે લોકોના બિઝનેસ કેનેડામાં ચાલે છે તેમને કેનેડા જવું હોય પરંતુ તેઓ જઈ શકતા નહોતા અથવા એવા પરિવાર કે તેમના બાળકો અથવા પરિવારના અન્ય સભ્યો કેનેડામાં હોય તેઓ પણ તેમને મળવા છેલ્લા દોઢેક વર્ષથી જઈ શક્યા નહોતા. જેને કારણે તેઓ કેનેડા સરકાર તમામ લોકોની એન્ટ્રી ખુલે તેની રાહ જાેઈ રહ્યા હતા.

સ્થાનિક અખબાર નવગુજરાત સમયને વિઝા એડવાઈઝર પંકિલ કાંટાવાળા અને પલક પટેલના જણાવ્યા અનુસાર, સાતમી સપ્ટેમ્બરથી કેનેડાએ તમામ કેટેગરીના વિઝાધારકો માટે એન્ટ્રી શરૂ કરી છે. હવે બિઝનેસ વિઝા, ટૂરિસ્ટ વિઝા સહિતની તમામ કેટેગરીના ધારકો કેનેડા જઈ શકશે, એન્ટ્રી ખોલતાંની સાથે જ કેનેડા જવા માટે લોકોનું બુકિંગ, મેડિકલ, બાયોમેટ્રિક સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેથી ખૂબ જ ધસારો વધી ગયો છે.

વિઝા કન્સલ્ટન્ટ અને કેરિયર એડવાઈઝરને કામ વધી ગયું છે. કેનેડાની ફ્લાઈટનું બુકિંગ પૂરજાેશમાં શરૂ થયું છે. હજુ તમામ લોકોને ભારતથી અન્ય કોઈ દેશમાં કેનેડા જવું પડી રહ્યું છે. આગામી દિવસોમાં કેનેડાની સીધી ફ્લાઈટ ઓપરેટ થાય તેવી શક્યતાઓ જાેવા મળી રહી હોવાનું વિઝા એડવાઈઝર અને ટૂર ઓપરેટરોએ જણાવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.