Western Times News

Gujarati News

ધોરાજીમાં સાંબેલાધાર ૭ ઇંચ વરસાદ, રાજકોટ-ગોંડલમાં ૫ ઇંચ ઠેર ઠેર જળ બંબાકાર

File

રાજકોટ, રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના ૨૫ પૈકી ૬ ડેમ થયા ઓવરફ્લો થયા છે, જ્યાં મોસમનો ૪૫% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાનાં મંડાણ મંડાતાં હાલ ધોરાજીમાં ૭ ઇંચ અને ગોંડલમાં ૫ ઇંચ વરસાદ વરસ્યો છે.

એમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગપૂલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયાં હતાં. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.

રાજકોટ શહેરમાં ગત રાત્રિના ૧૧ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હાલ રાજકોટના આજી ૨ ડેમના ચાર દરવાજા ૧.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી ૭.૭૬ મીટર છે અને ડેમમાં ૪૪૯૨ ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ગોંડલનો વેરી ડેમ ૯ ઈંચથી ઓવરફ્લો થયો છે. ગોંડલ, કંટોલિયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં જળાશયની ભરપૂર સપાટી ૧૪૨.૦૨ મીટર છે અને વેરી ડેમમાં ૨૦૯૩ ક્યૂસેક પાણીની આવક થઈ છે. ગોંડલના બસ સ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપૂરિયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

જેમાં ગોંડલ તાલુકાના મોતીસર ડેમના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટિયાડી ગામ પાસેનો મોતીસર ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે અને ડેમના નીચાણના વિસ્તારમાં આવેલાં હડમતાળા, કોલીથળ અને પાટિયાળી ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી ૧૪૩ મીટર છે અને ડેમમાં ૯૩૨ ક્યૂસેક પાણીની આવક થઈ છે.

હાલ અવિરત વરસાદને પગલે પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજાે ૨ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નીચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરિયાળી તથા મોરબી જિલ્લાના ટૈકારા તાલુકાનાં ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી ૫૫.૨૭ મીટર છે અને ડેમમાં ૧૦૨૩ ક્યૂસેક પાણીની આવક છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.