Western Times News

Gujarati News

જામનગરમાં કોઈએ ખભા પર તો કોઈએ સામા પ્રવાહમાં જઈ લોકોને બચાવ્યા

જામનગર, જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, એસડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જાેગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે.

કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા છે. નદીકાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનો સ્તર વધી રહ્યો હોઈ, સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ૨૫ લોકોનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન કરાયું હતું. જવાનોએ પોતાનો જીવ જાેખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા.

જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામની અંદર ઘૂસી જતાં ગામની પચાસ ટકા વસતિ પૂરના પાણીમાં ફસાઈ છે. ગામલોકો દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની માગ કરાઈ છે. ગામલોકોનું માનીએ તો, તેમણે ઈતિહાસમાં ક્યારેય આવું પૂર જાેયું નથી.નાગેશ્વર નદીના કાંઠા પર જ ખોડિયાર મંદિર આવેલું છે.

રાત્રિના સમયે નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવતાં મંદિર આસપાસ પૂરનાં પાણી ફરી વળ્યા છે. મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ચૂક્યું છે. અહીં પાંચથી છ જેટલા લોકો છત પર ફસાયેલા છે, જેઓ દ્વારા વીડિયો વાઈરલ કરી મદદની માગ કરી છે.જામનગર શહેરના ભોઈવાડા વિસ્તારમાં ધુંવાવના નાકા પાસે નાગમતી-રંગમતી નદીનાં પાણી ફરી વળતાં રહેણાક વિસ્તારમાં ૧૦ ફૂટ કરતાં વધુ પાણી ભરાયાં છે.

હાલ અહીંથી પણ બોટ દ્વારા લોકોને સલામત સ્થળે જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એરફોર્સનાં ચાર હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલાં ૩ ગામના અને પાણીમાં ફસાયેલા ૩૫ જેટલા લોકોને તાત્કાલિક મદદ અને સહાય પહોંચાડવા, સલામત સ્થળે ખસેડવા તેમજ એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે. હાલ બાંગામાંથી ૬થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા છે તેમજ હજુ પણ જામનગરના ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એરલિફટની કામગીરી ચાલુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.