Western Times News

Gujarati News

સનાથલમાં દીપડો ચોટીલાથી આવ્યો હોવાના બહાર આવ્યું

અમદાવાદ, શેલાથી ૫ કિમી દૂર આવેલા સનાથલ ગામના રહેવાસીઓમાં ફફડાટ ફેલાવનારો દીપડો ચોટીલાથી આવી પહોંચ્યો હોવાનું પગેરું વન વિભાગને મળ્યું છે. વન વિભાગને બચ્ચા સાથે દીપડાની અવરજવરના પણ રિપોર્ટ્‌સ મળ્યા છે. અમને બાવળા તરફ પગના કેટલાક નિશાન મળ્યા છે અને તેના પરથી લાગે છે કે દીપડો ચોટીલાથી આવ્યો હોઈ શકે છે’, તેમ અમદાવાદના નાયબ વન સંરક્ષક આર સકીરા બેગમે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોએ વનકર્મીઓને તેમણે એક દીપડાને બચ્ચા સાથે જાેયો હોવાનું જણાવ્યું હતું.

દીપડાને શોધવામાં સામેલ વન અધિકારીઓએ કહ્યું હતું કે, આ વિસ્તારના કેટલાક ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેમણે બચ્ચાને પુખ્ત વયના દીપડા સાથે જાેયો હતો. વન વિભાગના અધિકારીઓએ તેનું સમર્થન કર્યું હતું, જેમણે અગાઉ કહ્યું હતું કે તેઓ બીજા દીપડાની શક્યતાનો પણ ઈનકાર કરી શકતા નથી, કારણ કે સ્થળ પર પગની છાપ વચ્ચે તફાવત જાેવા મળ્યો હતો. વનકર્મીઓએ કહ્યું હતું કે, તેઓ દીપડાને શોધવા માટે બાવળા નજીકના ૧૦ સ્ક્વેર મીટરના વિસ્તારને સ્કેન કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે તે ચોટીલાથી આવ્યો હતો, કારણ કે તે વિસ્તારમાં દીપડાની વસ્તી છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ફેબ્રુઆરીના કિસ્સામાં પણ જ્યારે અધિકારીઓએ દીપડાને ટ્રેક કર્યો હતો ત્યારે તેમને બાવળા તરફ પગલાં મળી આવ્યા હતા. તેનો અર્થ એ થયો કે દીપડો ચોટીલાથી શહેરમાં આવ્યો હતો, જે અમદાવાદથી આશરે ૧૮૦ કિમી દૂર છે.

વનકર્મીઓએ જણાવ્યું હતું કે, બુધવારે રાતે જ્યારે તેને પહેલી વખત જાેવામાં આવ્યો ત્યારે તેણે નીલગાય અને વાછરડાનો શિકાર કર્યો હતો અને ત્યારબાદ દીપડો દેખાયો નથી. વન વિભાગે આ વિસ્તારને સ્કેન કરવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કર્યો હતો, જાે કે દીપડાના કોઈ નિશાન શોધી શકાયા નહોતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.