Western Times News

Gujarati News

ભાજપના બહાદુરીપૂર્વકના નિર્ણય સામે કોંગ્રેસ વામણી

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ નવા મંત્રી મંડળની રચનામાં ભાજપમાં આંતરિક વિખવાદ થયો હોવાની અટકળોઃ પ્રદેશ ભાજપના નેતાઓ આ પ્રક્રિયાને સામાન્ય ગણાવી રહયા છે

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વધુ બેઠકો મેળવવા ભાજપની કવાયતઃ કોની નેતાગીરીમાં ચુંટણીની કામગીરી કરવી તે અંગે કોંગ્રેસના કાર્યકરો અવઢવમાં

ભાજપ વિવિધ રાજયોની વિધાનસભાની ચુંટણીઓને ધ્યાનમાં રાખી સરકાર અને સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારો કરી રહયુ છે આ માટે કેટલાક મોટા ગજાના નિર્ણયો લઈ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે સૌ પ્રથમ કેન્દ્ર સરકારમાં દિગ્ગજ મંત્રીઓને પડતા મુકી દીધા છે

પરંતુ શિસ્તબદ્ધ મનાતી ભાજપ પાર્ટીમાં કોઈ વિવાદ થયો ન હતો જયારે કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખ માટે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહયો છે ભાજપની નેતાગીરી એક પછી એક નિર્ણયો લઈ વિવિધ રાજયોની વિધાનસભાની ચુંટણી અને આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે.

ભાજપે ગુજરાત સહિતના રાજયોના મુખ્યમંત્રીઓ પણ બદલવા પડયા છે અને હજુ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઉત્તરપ્રદેશ રાજયમાં ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરીનો રિપોર્ટ હકારાત્મક આવતા તેમને બદલવામાં નથી આવ્યા.

પરંતુ અન્ય રાજયોમાં મંત્રી મંડળ સહિત સંગઠનમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવી રહયા છે. જાેકે ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ નવી મંત્રી મંડળની રચનામાં કેટલાક વાદ વિવાદો થયા છે તેવી અટકળો સેવાઈ રહી છે પરંતુ ભાજપના નેતાઓ આ સ્વીકારવા તૈયાર નથી.

ચોંકાવનારી બાબત એ છે કે સૌ પહેલા બુધવારે શપથવિધિ સમારંભ હતો અને તેની તૈયારીઓ પણ કરી દેવાઈ હતી પરંતુ અચાનક જ તેને રદ કરી બીજે દિવસે એટલે કે આજે ગુરૂવારે શપથવિધિ સમારંભ યોજાશે તેવી સત્તાવાર સીએમઓની ઓફિસમાં જાહેરાત કરવામાં આવી હતી

આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપમાં પણ સિનીયર નેતાઓ નારાજ હોય તેવુ સ્પષ્ટપણે રાજકીય પંડીતોને લાગી રહયું છે અને આખો મામલો દિલ્હી દરબારમાં પહોંચી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા વચ્ચે બેઠક યોજાઈ હતી અને તેમાં નિર્ણય લેવાયા મુજબ મંત્રી મંડળની રચના કરવામાં આવી છે.

પસંદ કરાયેલા મંત્રીઓ આજે શપથ લેવાના છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે એક પછી એક મહત્વના નિર્ણયો લીધા છે ત્યારે કોંગ્રેસમાં હજુ નેતાગીરીના ઠેકાણા નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓમાં નિર્ણય શક્તિનો સંપુર્ણ અભાવ જાેવા મળી રહયો છે અને તેનો ફાયદો ભાજપને થઈ રહયો છે

ભુતકાળમાં ભાજપમાં બળવો થયો ત્યારે શંકરસિંહ વાઘેલાએ અલગ પક્ષની રચના કરી હતી પરંતુ તેમાં જાેડાયેલા તમામ આગેવાનોની રાજકીય કારકિર્દી જાેખમમાં મુકાઈ ગઈ છે જેના પગલે હવે ભાજપમાં આવી સ્થિતિ સર્જાવાની શક્યતા ખુબ જ નહીંવત છે.

કેન્દ્રમાં સતત બીજી ટર્મમા સ્પષ્ટ બહુમતી સાથે ચુંટાયેલી એનડીએની સરકાર એક પછી એક રાજયોમાં મજબુત બની રહી છે ખાસ કરીને એનડીએના મુખ્ય ઘટક ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સત્તા હાંસલ કરી શકે તેવી સ્થિતિમાં છે. ભાજપે કેન્દ્રમાં પોતાની સ્થિતિ મજબુત કર્યા પછી એક પછી એક રાજયોમાં પોતાનો પાયો મજબુત બની દીધો છે

દિલ્હીમાં સત્તા મેળવવા માટેનું પ્રવેશદ્વાર ગણાતા ઉત્તરપ્રદેશ ઉપર ભાજપનું મોવડી મંડળ વિશેષ ધ્યાન રાખે છે અને તેથી જ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથને મુકવામાં આવ્યા છે જેમણે પ્રથમ દિવસથી જ ઉત્તરપ્રદેશમાં મહત્વપૂર્ણ કામગીરી કરી સમગ્ર રાજયની સીકલ બદલી નાંખી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદનો કારભાર સંભાળ્યા બાદ હજુ સુધી એક પણ દિવસ રજા રાખી નથી અને તેમના માર્ગે જ યોગી આદિત્યનાથ ચાલી રહયા છે. ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન મોદી પછી બીજા નંબરે લોકપ્રિયતાની દ્રષ્ટીએ યોગી આદિત્યનાથનું નામ ચર્ચાઈ રહયુ છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં મંત્રી મંડળના તમામ સભ્યો તથા ભાજપ શાસિત રાજય સરકારોના મંત્રીઓનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવેલો છે અને તેના આધારે જ તેઓને કામગીરી સોંપવામાં આવી રહી છે. સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી મંડળમાં આ રિપોર્ટ કાર્ડના આધારે ચોંકાવનારા બદલાવ કરવામાં આવ્યા છે અને હવે રાજય સરકારોમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં રિપોર્ટ કાર્ડના આધારે મહત્વપૂર્ણ ફેરફારો કરાયા છે સૌ પ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ લઈ લેવામાં આવતા જ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. મુખ્યમંત્રીનું રાજીનામુ લઈ લેવાતા સમગ્ર મંત્રીમંડળ નવુ બનાવવાની કવાયત શરૂ કરાઈ હતી અને તે મુજબ નવા મંત્રી મંડળમાં યુવા ચહેરાઓને તક આપવાનો નિર્ણય કરાયો છે. મંત્રીઓના રિપોર્ટ કાર્ડના આધારે આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ જાેવા મળતો નથી પરંતુ વિધાનસભાની ચુંટણીમાં વધુને વધુ બેઠકો મેળવવા માટે આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપની ડબલ ફીગરમાં બેઠકો આવી હતી પરંતુ ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ભાજપે ૧૦૦નો આંકડો પાર કર્યો હતો

પરંતુ આ વખતે વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ૧૩૦થી વધુ બેઠકો મળે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને આ માટે ગમે તે હદ સુધીના નિર્ણય લેવાની ભાજપના નેતાઓએ બહાદુરી બતાવી રહયા છે જયારે સામે કોંગ્રેસમાં આવી જ કોઈ જ કાર્યવાહી જાેવા મળતી નથી.

કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીથી લઈ રાજયના પ્રદેશ પ્રમુખોની પસંદગીનો પ્રશ્ન અનિર્ણિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીની પણ નિમણુંક કરવામાં ખુબ જ વિલંબ થયો છે ત્યારે કાર્યકરો કોના માર્ગદર્શન હેઠળ પક્ષનું કામ કરે તે પ્રશ્ન ચર્ચાઈ રહયો છે.

ગુજરાતમાં ભાજપે શરૂ કરેલી કવાયતથી કોંગ્રેસના કાર્યકરોમાં પણ પ્રદેશ નેતાગીરી સામે સવાલો કરવા લાગ્યા છે. ભાજપમાં નવી સરકારની રચના બાદ ગુજરાતમાં તમામ કાર્યકરો અને આગેવાનો ચુંટણી પ્રક્રિયામાં જાેડાઈ જશે પરંતુ કોંગ્રેસમાં કયારે વિધાનસભાની ચુંટણીની કવાયત શરૂ થશે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.