Western Times News

Gujarati News

કેનેડાની ચૂંટણીમાં હાલના પીએમ જસ્ટિન ટ્રુડોની પાર્ટી સૌથી આગળ પણ બહુમતિથી દુર

નવી દિલ્હી, કેનેડાના હાલના પીએમ જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીએ જીત મેળવી છે. ચૂંટણીમાં લિબરલ પાર્ટી સૌથી વધારે બેઠકો જીતીને આગળ રહી છે. જોકે તેને સ્પષ્ટ બહુમતી મળી શકી નથી.

2015થી કેનેડાના ટ્રુડો કેનેડાના પીએમ છે. તેમણે પોતાના દિવંગત પિતાની લોકપ્રિયતાનો તે સમયે સહારો લઈને જીત મેળવી હતી. એ પછી બીજી બે ચૂંટણીમાં તેમણે પોતાના દમ પર પાર્ટીને જીતાડી હતી. વર્તમાન ચૂંટણીના આવી રહેલા પરિણામોમાં લિબરલ પાર્ટી હાલમાં 148 બેઠકો પર આગળ છે અને કન્ઝર્વેટિવ પાર્ટી 103 બેઠકો પર આગળ ચાલી રહી છે. બ્લોક ક્યુબેકોઈસ 28 તેમજ ડાબેરી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી 22 બેઠકો પર આગળ ચાલી રહી છે.

હાલમાં એવુ લાગી રહ્યુ છે કે, ટ્રુડો માટે બીજી પાર્ટીઓની મદદ વગર કોઈ નવા કાયદા પાસ કરાવવા શક્ય નહીં બને જોકે કેનેડાના નિયમ પ્રમાણે તેઓ એટલી સીટો ચોક્કસ જીતી જશે કે તેમના વડાપ્રધાન પદને કોઈ ખતરો નહીં આવે.

વિરોધી પાર્ટીઓએ ટ્રુડો પર પોતાના ફાયદા માટે સમય કરતા બે વર્ષ વહેલી ચૂંટણી કરાવવાનો આરોપ મુક્યો છે. ટ્રુડોએ દાવો કર્યો હતો કે, કેનેડાના લોકો કોરોનાની મહામારી દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર ઈચ્છતા નથી. કેનેડા હાલમાં એ દેશોમાં સામેલ છે જ્યાં મોટાભાગના લોકોને કોરોનાની રસી મુકાઈ ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.