Western Times News

Gujarati News

હર્ષલની હેટ્રિક, કોહલી સેનાનો ૫૪ રને ધમાકેદાર વિજય

દુબઈ, હર્ષલ પટેલની હેટ્રિક (૪/૧૭) અને ગ્લેન મેક્સવેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન (૫૬ રન, બે વિકેટ) ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-૨૦૨૧ની ૩૯મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ૫૪ રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી જીત મેળવી છે. આ સાથે યૂએઈની ધરતી પર સતત સાત હાર બાદ વિરાટ કોહલીની ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે.

આ જીત સાથે બેંગલોરની ટીમ ૧૨ પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ ૮ પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે ૧૬૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ ૧૧૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સને ડિકોક અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં ૫૬ રન જાેડ્યા હતા. મુંબઈને પ્રથમ ઝટકો ૫૭ રન પર લાગ્યો હતો. ડિ કોક ૨૩ બોલમાં ૨૪ રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર ૭૯ હતો ત્યારે રોહિત શર્મા ૨૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૩ રન બનાવી આઉટ થયો હતો. રોહિતને મેક્સવેલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

ઈશાન કિશન ૯ રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ (૮)ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. કૃણાલ પંડ્યા (૫)ને ગ્લેન મેક્સવેલે બોલ્ડ કર્યો હતો. હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે ઈનિંગની ૧૭મી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી.

હર્ષલે પહેલા હાર્દિક પંડ્યા (૩)ને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પોલાર્ડ (૭) ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હર્ષલે રાહુલ ચાહર (૦)ને એલબીડબલ્યુ આઉટ કરી પોતાની હેટ્રિક પૂરી કરી હતી. જસપ્રીત બુમરાહ (૫)ને યુજવેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો.

હર્ષલ પટેલે એડન મિલ્ને (૦)ને બોલ્ડ કરી પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. દેવદત્ત પડિક્કલ શૂન્ય રને બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને એસ ભરતે ઈનિંગ સંભાળી હતી.

આરસીબીએ પાવરપ્લેમાં ૧ વિકેટે ૪૮ રન બનાવ્યા બતા. કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન કોહલીએ ટી૨૦ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી ૪૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૧ રન બનાવી મિલ્નેનો શિકાર બન્યો હતો. એસ ભર ૨૪ બોલમાં ૨ ફોર અને બે સિક્સ સાથે ૩૨ રન બનાવી આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે પણ આજે આકર્ષક શોટ્‌સ ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.