Western Times News

Gujarati News

સુરત પછી ભરૂચના પરિવારની કેનાલમાંથી લાશ મળતા ખળભળાટ મચી

પ્રતિકાત્મક

પ્રાથમિક અનુમાન અનુસાર પરિવારે નહેરના પાણીમાં પડતું મૂકી સામુહિક આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યું હશે

સુરત,  સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. મૃતકોમાં સગર્ભા મહિલા અને એક નાના બાળકનો સમાવેશ થાય છે.

પરિવારે કોઈક કારણોસર સામુહિક આપઘાત કર્યો કે અકસ્માતમાં તમામના મૃત્યુ નિપજ્યા તેની તપાસ પોલીસે શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં વસવાટ કરતો મુસ્લિમ પરિવાર સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં તેમના કાકાજીની મૈયતમાં હાજરી આપવા માટે ગયો હતો.

જો કે ત્યાંથી હાજરી આપી પરત ફરનાર પતિ-પત્નીએ તેમના અઢી વર્ષના પુત્રની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવી છે. પ્રાથમિક અનુમાન અનુસાર પરિવારે નહેરના પાણીમાં પડતું મૂકી સામુહિક આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યું હશે.જોકે ઘટનાનું કારણ અકસ્માત હોવાની શક્યતા પણ નકારવામાં આવી રહી નથી.

બનાવની જાણ થતા ની સાથે જ ફાયર વિભાગ દ્વારા વરિયાવ બાયપાસ રોડ પરથી કેનાલમાંથી મહિલા અને બાળકની લાશને બહાર કાઢવામાં આવી હતી જ્યારે ઓલપાડ તાલુકામાં કેનાલમાંથી પતિની લાશ મળી આવી હતી. જહાંગીરપુરા પોલીસે બંને લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ બાયપાસ રોડ પર રહેતો મુસ્લિમ મગસ પરિવાર અમરોલીના કોસાડ આવાસમાં તેમના કાકાજીની મૈયતમાં હાજરી આપવા માટે આવ્યા હતા મૈયતમાં હાજરી આપ્યા બાદ મુસ્લિમ પરિવાર ભરૂચ પરત જવા માટે નીકળ્યો હતો. જોકે અનુમાન અનુસાર આ પરિવારે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ વરિયાવ બાયપાસ રોડ પર રેલવે ફાટકની બાજુમાંથી પસાર થતી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હશે અથવા અકસ્માતે તે કેનલમાં ખાબક્યા હશે.

વરિયાવ બાયપાસ રોડ પાસે કેનાલમાં મહિલા અને માસુમ બાળકની લાશ દેખાતા પોલીસે ફાયર બ્રિગેડ વિભાગની મદદ લઈ બંનેની લાશને બહાર કાઢી હતી. બીજી બાજુ ઓલપાડના સોંસક ગામમાંથી પુરુષની લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા મહિલા નું નામ કુરશીદા મોહસીન મગસ તથા અઢી વર્ષના તેના પુત્ર નું નામ મોઈસ હોવાનું સામે આવ્યું છે.

ઓલપાડના સોંસક ગામમાંમળેલા પુરુષની લાશ કુરશીદાના પતિ મોહસીનની હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો જહાંગીરપુરા પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોહસીન ભરૂચમાં ખાનગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે પરિવારના અપમૃત્યુ કેસમાં જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ઘટનાનું મૂળ કારણ જાણવા મળ્યું નથી. પરિવારની બાઈક પણ શુક્રવાર બપોર સુધી પોલીસને મળી આવી નથી.હાલ તો પોલીસે ભરૂચમાં વસવાટ કરતા તેના પરિવારને સુરત બોલાવી તેઓનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.