Western Times News

Gujarati News

કોહલી ટી ૨૦ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બન્યો

દુબઈ, વિરાટ કોહલીએ આઈપીએલ ૨૦૨૧માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચાલી રહેલી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. વિરાટે ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ૧૦ હજાર રન પૂરા કરી લીધા છે અને તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયો છે.

કોહલી વિશ્વ ક્રિકેટમાં આમ કરનાર પાંચમો બેટ્‌સમેન છે. તેની પહેલા ક્રિસ ગેલ, કીરોન પોલાર્ડ, શોએબ મલિક અને ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નર ક્રિકેટના આ નાના ફોર્મેટમાં ૧૦ હજાર રન બનાવી ચુક્યા છે. વિરાટે ગેલ બાદ સૌથી ઝડપી ૧૦ હજાર રન પૂરા કર્યા છે અને તેણે બાકી ત્રણેય બેટ્‌સમેનોને આ મામલામાં પાછળ છોડ્યા છે.

વિરાટ કોહલીએ મુંબઈ વિરુદ્ધ ૧૩ રન બનાવતા આ ખાસ મુકામ હાસિલ કર્યો હતો. તેણે પોતાના ટી૨૦ કરિયરની ૨૯૯મી ઈનિંગમાં ૧૦ હજાર રનનો આંકડો પાર કર્યો છે. કોહલી ફટાફટ ક્રિકેટના આ ફોર્મેટમાં અત્યાર સુધી ૫ સદી અને ૭૩ અડધી સદી ફટકારી ચુક્યો છે અને તેનો સર્વાધિક સ્કોર ૧૧૩ રન રહ્યો છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં વિરાટ ૬ હજારથી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્‌સમેન છે.

ચેન્નઈ વિરુદ્ધ રમાયેલી છેલ્લી મેચમાં કોહલી ૫૩ રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી કોહલી બાદ ટી૨૦માં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન રોહિત શર્મા છે, જેણે ૩૫૧ મેચની ૩૩૮ ઈનિંગમાં અત્યાર સુધી ૯૩૪૮ રન બનાવ્યા છે. આ દરમિયાન હિટમેને છ સદી અને ૬૫ અડધી સદી ફટકારી છે.

ભારત તરફથી ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેનમાં ૧૦૦૪૦ – વિરાટ કોહલી,૯૩૪૮ – રોહિત શર્મા,૮૬૪૯ – સુરેશ રૈના,૮૬૧૮ – શિખર ધવન સામેલ છે.

વિરાટ કોહલી ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં ૧૦ હજાર રન પૂરા કરવાના મામલામાં બીજા સ્થાને આવી ગયો છે. તેણે ૨૯૯ ઈનિંગમાં ૧૦ હજાર રન પૂરા કરી વોર્નરને પાછળ છોડી દીધો છે. વોર્નરે આ આંકડો ૩૦૩ ઈનિંગમાં પાર કર્યો હતો. સૌથી ઓછી ઈનિંગમાં દસ હજાર રન પૂરા કરનાર બેટ્‌સમેન ક્રિસ ગેલ છે, જેણે ૨૮૫ ઈનિંગમાં આ કમાલ કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.