Western Times News

Gujarati News

દિલ્હી કેપિટલ્સ સામે કોલકાતાનો આસાન વિજય

દુબઈ, બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. કોલકાતાએ ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં કોલકાતાએ ૧૮.૨ ઓવરમાં ૭ વિકેટે ૧૩૦ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

દિલ્હીની બેટિંગ ખરાબ રહી હતી અને તેના કારણે તે મોટો સ્કોર નોંધાવી શક્યું ન હતું. દિલ્હીએ કોલકાતા સામે ૧૨૮ રનનો આસાન લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં કોલકાતાની શરૂઆત દમદાર રહી હતી પરંતુ બાદમાં દિલ્હીના બોલર્સે કોલકાતાના બેટ્‌સમેનોને હંફાવ્યા હતા. જાેકે, વધારે રન ન હોવાના કારણે તેમની મહેનત સફળ રહી ન હતી. કોલકાતા માટે શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરની જાેડીએ સારી શરૂઆત કરી હતી.

જાેકે, ૬૭ રન સુધીમાં તો ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ગિલ ૩૦, ઐય્યર ૧૪ અને રાહુલ ત્રિપાઠી ૯ રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે સુકાની ઈયોન મોર્ગન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ સમયે દિલ્હી પાસે મેચમાં પાછા ફરવાની તક હતી.

પરંતુ રાહુલ ત્રિપાઠીએ એક છેડો જાળવી રાખ્યો હતો અને પહેલા દિનેશ કાર્તિક તથા બાદમાં સુનિલ નરૈન સાથે મહત્વની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય અપાવ્યો હતો. ત્રિપાઠીએ ૨૭ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર સાથે ૩૬ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.

જ્યારે કાર્તિકે ૧૨ અને નરૈને ૧૦ બોલમાં ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે અવેશ ખાને ત્રણ તથા એનરિચ નોર્ટજે, અશ્વિન, લલિત યાદવ અને કાગિસો રબાડાએ એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. સ્ટિવ સ્મિથ અને શિખર ધવનની ઓપનિંગ જાેડીએ ધમાકેદાર શરૂઆત કરતા ૩૫ રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ બાદમાં ટીમનો ધબડકો થયો હતો.

સ્મિથ ૩૯ અને ધવન ૨૪ રન નોંધાવીને આઉટ થયા બાદ એકમાત્ર સુકાની રિશભ પંત જ ક્રિઝ પર ટકી શક્યો હતો. તેણે ૩૬ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૩૯ રન ફટકાર્યા હતા. આ ત્રણ બેટ્‌સમેન સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો ન હતો.

શ્રેયસ ઐય્યર એક, શિમરોન હેતમાયર ૪, અશ્વિને ૯ તથા અવેશ ખાને ૫ રન નોંધાવ્યા હતા. જ્યારે લલિત યાદવ અને અક્ષર પટેલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. કોલકાતા માટે લોકી ફર્ગ્યુસન, સુનીલ નરૈન અને વેંકટેશ ઐય્યરે બે-બે તથા ટિમ સાઉધીએ એક વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.