Western Times News

Gujarati News

બે દર્દીઓ પર રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં થઈ માઇટ્રાક્લિપની સારવાર

સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ – પશ્ચિમ ભારતમાં પહેલીવાર માઇટ્રાક્લિપની સફળ સારવાર

મુંબઈ સ્થિત સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ માઇટ્રાક્લિપની સારવાર માટે પશ્ચિમ ભારતમાં માન્યતા મેળવનારી પહેલી હોસ્પિટલ બની

મુંબઈ, સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે પશ્ચિમ ભારતમાં પહેલીવાર માઇટ્રાક્લિપની સફળ સારવાર કરી હતી, જેમાં બે દર્દીઓ પર સારવારની પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેમને માત્ર 48 કલાકમાં જ રજા આપી દેવામાં આવી હતી. સારવારની સમગ્ર પ્રક્રિયા સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના કન્સલટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. મૌલિક પારખે અને કન્સલટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. નિહાર મહેતા સહિતની ટીમે પાર પાડી હતી. In the picture Reliance Foundation Mumbai’s Dr Nihar Mehta, Mr. Sudhir Mehta, Mr Ramesh Radia, Dr Maulik Parikh.

માઇટ્રાક્લિપ એક એવી નવીન અને ક્રાંતિકારી સારવાર પદ્ધતિ છે જેમાં ઓપન હાર્ટ સર્જરી વગર જ માઇટ્રલ વાલ્વના લીકેજને રિપેર કરવામાં આવે છે. આ એક અત્યંત વિશિષ્ટ અને અત્યાધુનિક ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં માઇટ્રલ વાલ્વના બે પડને એ જગ્યાએથી ક્લિપ કરવામાં આવે છે જ્યાંથી તે લીક થાય છે.

હૃદયમાં માઇટ્રલ વાલ્વ વિવિધ કારણોસર લીક થઈ શકે છે જેમ કે હાર્ટ બ્લોકેજ, હાર્ટ ચેમ્બર્સનું વિસ્તરણ, વાલ્વ લીફલેટ પ્રોલેપ્સની તકલીફ વગેરે. આમાંના મોટાભાગના કેસોમાં માઇટ્રાક્લિપ સારવાર શક્ય છે અને તેણે પ્રોત્સાહક પરિણામો દર્શાવ્યા છે.

આ ઉપકરણ પશ્ચિમી વિશ્વમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તાજેતરમાં જ ગયા વર્ષે ભારતમાં આવ્યું છે અને હવે સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ ઉપચાર પ્રક્રિયાના મુખ્ય ફાયદાઓમાં વાલ્વમાં લીકેજ બંધ થાય, જીવનની ગુણવત્તામાં સુધારો, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી થાય, હૃદયના કદમાં અનુકૂળ ઘટાડો અને જોખમી ઓપન-હાર્ટ સર્જરી ટાળી શકવાનો સમાવેશ થાય છે.

78 વર્ષીય દર્દી શ્રી સુધીર મહેતાને થોડા મહિના પહેલા હાર્ટ ફેલ્યોર અને છાતીમાં ચેપ લાગવાના કારણે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું માઇટ્રલ વાલ્વના ગંભીર લિકેજનું નિદાન થયું હતું. છાતીમાં લાગેલા ચેપમાંથી સાજા થયા બાદ  23 ઓગસ્ટ 2021ના​​રોજ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેમના પર માઇટ્રાક્લિપની ઉપચાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેઓ એ જ દિવસે ઉભા થઈ ગયા હતા અને પ્રક્રિયા પાર પડ્યાના 48 કલાકમાં તેમને રજા આપી દેવામાં આવી હતી.

જ્યારે 80 વર્ષના શ્રી રમેશ રાડિયા પગમાં સોજો, ગભરામણ, અનિયમિત ધબકારા અને શ્વાસ લેવામાં તકલીફથી પીડાતા હતા. તેમને ગંભીર માઇટ્રલ રિગર્ગિટેશન એટલે કે વાલ્વમાં લીકેજના કારણે ઊભી થતી બિનકાર્યક્ષમતાની સ્થિતિ વચ્ચે માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ હોવાનું નિદાન થયું હતું. તેમના પર 24 ઓગસ્ટ 2021ના ​​રોજ માઇટ્રાક્લિપ પ્રક્રિયા દ્વારા સારવાર કરવામાં આવી હતી, અને તેમને પણ હોસ્પિટલમાંથી 48 કલાકની અંદર રજા આપી દેવામાં આવી હતી.

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે કન્સલટન્ટ, કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપનારા ડો. મૌલિક પારખ, કે જેઓ નોન-સર્જિકલ વાલ્વ (ટ્રાન્સકેથેટર) ઇન્ટરવેન્શન્સના નિષ્ણાત છે, તેમણે જણાવ્યું કે, “માઇટ્રાક્લિપ થેરાપી જ્યારે મુંબઈમાં હવે ઉપલબ્ધ છે ત્યારે માઇટ્રલ રિગર્ગિટેશન (લીક)થી પીડાતા વૃદ્ધ અને બીમાર અનેક દર્દીઓને તેનો લાભ મળશે.”

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે કન્લસ્ટન્ટ, કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપનારા ડો. નિહાર મહેતાએ જણાવ્યું કે, “માઇટ્રલ વાલ્વના લીકેજથી પીડાતા ઘણા દર્દીઓને શ્વાસની તકલીફ સાથે વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે, જોકે હવે તેઓ ઓપન હાર્ટ સર્જરી સાથે સંકળાયેલા જોખમો વિના આ ઉપચાર પદ્ધતિથી સારવાર કરાવી શકે છે.”

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના સીઇઓ ડો. તરંગ જ્ઞાનચંદાણીએ જણાવ્યું કે, “અમે દર્દીઓને વિશ્વ સ્તરની શ્રેષ્ઠ સેવાઓ, માળખાગત સુવિધાઓ અને શ્રેષ્ઠત્તમ ઉપચાર પદ્ધતિઓથી સારવાર આપવામાં હંમેશા મોખરે છીએ. અમે અમારા તમામ દર્દીઓની ઉષ્મા, કરુણા અને પ્રતિબદ્ધતા સાથે સારવાર કરીએ છીએ.”

મુંબઈમાં પહેલીવાર સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે માઇટ્રાક્લિપની ઉપચાર પદ્ધતિ કરનારી નિષ્ણાત તબીબોની ટીમમાં ડો. કાર્ડિયોલોજિસ્ટ ડો. નિહાર મહેતા, કાર્ડિયોલોજિસ્ટ ડો. મૌલિક પારેખ, કાર્ડિયોલોજિસ્ટ ડો. એ. બી. મહેતા, કાર્ડિયોલોજિસ્ટ ડો. એસ. આર. હાંડા, એનેસ્થેટિસ્ટ ડો. હાર્વેસ્પ પંથકી અને એનેસ્થેટિસ્ટ ડો. કૃતિકા શર્માનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.