Western Times News

Gujarati News

“શ્રમ એ માનવજાતનું ઉત્તમ ઘરેણું છે, જેનાથી શારીરીક -માનસિક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે”-

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ પુષ્પાંજલિ અર્પણ કરી.

પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતિ નિમિત્તે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન -અમદાવાદ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ વિશેષ ઉપસ્થિત રહીને પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પૂજ્ય બાપુને વંદનીય ભાવ વ્યક્ત કરતાં મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે સત્ય અને અહિંસાના પૂજારી અને સ્વદેશી વસ્તુઓનાં હિમાયતી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે ત્યારે એમના નામ સાથે સંકળાયેલ આ ‘મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન’ સંસ્થા શ્રમિકો માટેની ખેવનાને ઉજાગર કરે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રમિકોની કામગીરીને બિરદાવીને તેઓને ‘શ્રમયોગી’ કહ્યા છે. જે ઉચિત છે તેમ જણાવતાં મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે “સત્ય,અહિંસા,ચોરી ન કરવી,

અને વણજોતુ ન સંઘરવુ” બાપુના આ સૂત્રને આપણે આત્મસાત કરીએ અને આપણી આસપાસના શ્રમયોગી પરિવારના આર્થિક ઉપાર્જન માટે કાર્યરત બનીએ એ જ આજે પૂજ્ય બાપુને ખરા અર્થમાં ભાવાંજલિ છે.

આપણા દેશમાં બે મોહન થઈ ગયા..એક મોહન યમુના કાંઠે જન્મ્યા અને સૌરાષ્ટ્રના કાંઠે નિર્વાણ પામ્યા તો બીજા મોહન ૧૮૬૯ ની બીજી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના કાંઠે જન્મ્યા અને જમુના કાંઠે દેહવિલય થયા.. બંનેનો ઉદેશ અને આશય એક જ રહ્યો. એકના હાથમાં સુદર્શન ચક્ર તો બીજાના હાથમાં રેંટિયો. મહાત્મા ગાંધીજીએ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો અને સ્વરાજ અપાવ્યું.

‘સૌનો સાથ – સૌનો વિકાસ’ ને વરેલી રાજ્ય સરકાર સુશાસન, સ્વરાજની કલ્પનાને સાર્થક કરે છે તેમ જણાવતાં મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે દરેકના જીવનમાં શ્રમનું મૂલ્ય છે- શ્રમ એ માનવજીવનનુ ઉત્તમ ઘરેણું છે, અને એટલે જ મહાત્મા ગાંધીજી શ્રમ અને શ્રમિકોના કલ્યાણ માટે સતત સક્રિય હતા. શ્રમિકો આપણા સમાજનું અભિન્ન અંગ છે, જેને મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.

મંત્રી શ્રી એ અહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારીને સમાજોપયોગી કાર્યોમાં જોડાઈને મૂર્તિમંત કરે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી એ ‘જય જવાન – જય કિસાન’નો નારો આપનાર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીને યાદ કરીને તેમની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે શબ્દાંજલિ પાઠવી હતી.

આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય પ્રસ્તૃતિ અને ગાંધીજીનુ પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ..’ નુ સુંદર ગાન પ્રસ્તૃત કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના ડાયરેકટર જનરલ શ્રી, વહીવટી અઘિકારીઓ, ફેકલ્ટી મેમ્બરશ્રીઓ, સ્ટાફગણ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.