Western Times News

Gujarati News

સાંસદ પુત્ર સામે ફરિયાદ પણ પોલીસની પહોંચની બહાર

લખીમપુર ખીરી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના તિકોનિયા વિસ્તારમાં રવિવારના રોજ ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને બે દિવસથી વધારે સમય પસાર થઈ ગયો છે. આ દરમિયાન નવ લોકોના જીવ જતા રહ્યા છે.

આ ઘટનાએ રાજકીય રુપ ધારણ કર્યું છે. નેતાઓ લખીમપુર પહોંચી રહ્યા છે. તંત્ર અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું છે. આટલુ બધું બે દિવસમાં બની ગયુ પરંતુ લોકોને એક જ પ્રશ્ન થઈ રહ્યો છે, સાંસદ અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશીષ મિશ્રા આખરે ક્યાં છે? પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આરોપ છે કે, આશીષ મિશ્રાએ પોતાની જીપથી ખેડૂતોને કચડી કાઢ્યા.

આરોપ અનુસાર, આ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું અને પછી ખેડૂતો આક્રોશમાં આવી ગયા. બન્ને તરફથી અથડામણમાં ૯ લોકોનાં મોત થયા. ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોડ પર ચાલી રહેલા ખેડૂતોને જીપ કચડીને આગળ વધી રહી છે.

ખેડૂતો શરુઆતથી આરોપ મૂકી રહ્યા છે કે સમગ્ર ઘટના પાછળ સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનું થોડા દિવસ પહેલા કરવામાં આવેલું એક ભાષણ જવાબદાર છે. તેમણે ભાષણમાં ખેડૂતોને ચીમકી આપી હતી.

ઘટનાના દિવસે તેમનો દીકરો આશીષ મિશ્રા મોનુ ત્યાં હાજર હોવાનો પણ ખેડૂતો દાવો કરી રહ્યા છે. આશીષ મિશ્રા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

જાે કે, મંત્રી અને તેમના દીકરાએ આ આરોપોને પાયાવિહોણા જણાવ્યા છે. ખેડૂતો સાથેના તંત્રના સમાધાનમાં પણ ૪૫-૪૫ લાખનું વળતર અને આશ્રિતોને નોકરી, નિવૃત્ત જજ પાસે તપાસ અને આરોપીઓની ધરપકડનું આશ્વાસન આપવામાં આવ્યુ હતું.

આશીષ મિશ્રાએ જણાવ્યું કે તે ઘટનાસ્થળ પર હાજર નહોતા. તેના પિતાનું કહેવું છે કે આશીષ તે સમયે ગામના એક કાર્યક્રમમાં હતો અને અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. પરંતુ હજી સુધી તેની ધરપકડ કરવામાં નથી આવી જેના કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ સમગ્ર ઘટના પછી રાજકારણ ગરમાયું છે.

પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, માયાવતી, રાકેશ ટિકૈત, જયંત ચૌધરી, સંજય સિંહ તમામ નેતાઓએ સરકાર પર નિશાન સાધ્યું છે. અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી બીજેપી નેતાના દીકરાની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ ખેડૂતના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.