Western Times News

Gujarati News

ખોખરામાં રીક્ષામાં ફરતી તસ્કર ટોળકી ત્રાટકી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ફરવા લાગી છે અને તેનો લાભ લુંટારુ ટોળકીઓ ઉઠાવી રહી છે કેટલીક રીક્ષાઓમાં આવી ટોળકીઓ પ્રવાસીઓના કિંમતી માલસામાનની ચોરી અને લુંટ કરતા હવે નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.

મણિનગરથી રીક્ષામાં બેઠેલી પાટણ જિલ્લાની એક મહિલાને રીક્ષામાં ફરતી લુંટારુ ટોળકી ભટકાઈ ગઈ હતી અને તેના કિંમતી માલ સામાનની ચોરી કરી ફરાર થઈ જતા આ મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શટલ રીક્ષામાં ફરતી તસ્કર ટોળકીઓનો આંતક વધી રહયો છે આવી ટોળકીઓ ખુલ્લેઆમ ગુનાખોરી આચરી રહી છે તેમ છતાં પોલીસતંત્ર દ્વારા આવી ટોળકીઓને પકડવામાં સફળતા નહી મળતા હવે નાગરિકોમાં ભય ફેલાયેલો છે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે અને હવે તો આવી ટોળકીઓ હિંસક બની ગઈ છે. પ્રવાસીઓ ઉપર  હુમલા પણ કરી રહી છે.

આ દરમિયાનમાં પાટણ જિલ્લાના સમી ગામની મહિલા ભગવતીબેન ઠકકર બપોરના સમયે મણિનગર રેલવે સ્ટેશનના રીક્ષા સ્ટેન્ડથી શટલ રીક્ષામાં બેઠી હતી આ દરમિયાનમાં રીક્ષામાં અગાઉથી બેઠેલી તસ્કર ટોળકીએ ભગવતીબેનના થેલામાંથી રોકડ રૂપિયા તથા સોના- ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી.

ભગવતીબેને થેલો તપાસતા તેમાંથી રોકડ રૂપિયા અને દાગીના ચોરી થયાનું માલુમ પડયુ હતું તેમણે બુમાબુમ કરી હતી પરંતુ તે પહેલા રીક્ષામાં ફરતી લુંટારુ ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી આ અંગે ભગવતીબેને ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડેલા હોવા છતાં આવી ટોળકીઓને પકડવામાં નિષ્ફળતા મળતા હવે નાગરિકોમાં ભયની લાગણી ફેલાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.