Western Times News

Gujarati News

નવરાત્રીના તહેવાર દરમિયાન ડીસીપી, એસીપી તથા પીઆઈ સહિતનાં ૧૨ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

ઉપરાંત એસઆરપીની ૨ કંપની, ૯૦ વીસીઆર વાન, ૫ ક્યુઆરટી, ૯૦ શી ટીમ તથા ૭૮ હોક બાઈક સક્રિય

(પ્રતિનિધિ)અમદાવાદ, આજથી નવરાત્રીનાં તહેવારનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં સુપ્રીમ કોર્ટે કલબ અને પાર્ટી પ્લોટનાં ગરબાને મંજુરી આપી નથી. પરંતુ શેરી અને સોસાયટીનાં ગરબા રમવાની છુટ આપી છે.

અલબત્ત કોરોનાની ગાઈડ લાઈન મુજબનાં નિયમો સાથે જેને પરીણામે ગરબા રસિકોમાં ઊત્સાહ જાેવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ આજે નવરાત્રીની ઊજવણી કરવામાં આવશે. જેને પગલે અમદાવાદ શહેરની પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. અને કોરોનાની મહામારી દરમિયાન ગાઈડલાઈનનું પાલન કરાવવા ઉપરાંત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સજ્જ બન્યું છે.

નવરાત્રીનાં નવ દિવસ દરમિયાન અમદાવાદમાં શાંતિમય મહોલ રહે એ માટે તંત્ર દ્વારા જરૂરી પ્રમાણમાં અને વ્યુહાત્મક રીતે પોલીસ જવાનોને ગોઠવવાનું આયોજન કર્યું છે. એ મુજબ નવ દિવસ દરમ્યાન ૧૩ ડીસીપી, ૨૪ એએસપી, ૭૦ પોલીસ ઈન્સ્પેક્ટર, ૨૨૦ સબ ઈન્સ્પેક્ટર, ૮ હજારથી વધુ હેડ કોન્સ્ટેબલ લોકરક્ષકનાં દળનાં જવાનો, ૩૮૦૦ કરતાં વધુ હોમગાર્ડનાં જવાનો, ૯૦ શી ટીમ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત કોઈપણ પરીસ્થિતિને પહોંચી વળવા માટે એસઆરપીની બે કંપની, ૯૦ પીસીઆર વાન, ૫ ક્વીક રીસ્પોન્સ ટીમ (ક્યુઆરટી)તથા ૭૮ હોક બાઈકને પણ બંદોબસ્તમાં સામેલ કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનર ઓફીસનાં કંટ્રોલ રૂમનાં ડીસીપી હર્ષદ પટેલ અનુસાર જાે રાત્રે બાર વાગ્યા સુધી કફ્ર્યુ મુક્તિ આપવામાં આવી છે. અને ૪૦૦ લોકો માટે ગરબા રમવાની છુટ આપવામાં આવી છે. સમય મર્યાદા બહાર લાઉડ સ્પીકર વગાડતાં અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન નહીં કરવામાં આવે તો ગરબાનાં આયોજકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એ માટે પોલીસ અધિકારીઓ દ્વારા મહોલ્લા તથા શાંતિ સમિતિનાં સભ્યો સાથે મીટીંગ કરવામાં આવી છે. જ્યારે હોટેલો તથા રેસ્ટોરન્ટ પર અસામાજીક સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. બીજી તરફ શાંતિ ડહોળવા માટે તહેવાર ધર્મ-જાતિ વિરૂદ્ધ ટીપ્પણીઓ ન થાય એ માટે સોશીયલ મીડિયા ઉપર પણ પોલીસ નજર રાખશે. ઉપરાંત કંટ્રોલ રૂમમાંથી પણ સીસીટીવી દ્વારા સમગ્ર શહેરનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.

વધુમાં ડીસીપી હર્ષદ પટેલે ઉમેર્યું હતું કે, અગાઉનાં તહેવારોમાં શહેરીજનોએ જે રીતે પોલીસને સહકાર આપ્યો એ જ રીતે સહકારની આશા છે. નવરાત્રી દરમિયાન સૌએ સમજદારી અને જવાબદારીપૂર્વક જાતે જ ગાઈડલાઈન તથા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.