Western Times News

Gujarati News

સાસુની સાપથી હત્યા કરનાર મહિલાને જામીનનો ઈનકાર

નવી દિલ્હી, ભારતમાં દર વર્ષે હજારો લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. તેને અકસ્માત માનવામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોઈને મારવા માટે ‘હથિયાર’ તરીકે ઝેરી સાપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે બુધવારે કહ્યું હતું કે વૃદ્ધ મહિલાને મારવા માટે ઝેરી સાપનો “હથિયાર” તરીકે ઉપયોગ કરવો એ “જઘન્ય અપરાધ” છે.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં આચરવામાં આવેલા આ ગુના સંબંધિત આ કેસમાં આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ વિચિત્ર કેસ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોલીની બેન્ચ સમક્ષ આવ્યો.

આરોપી મહિલાનો પતિ સેનામાં સેવા આપે છે. જેનું પોસ્ટિંગ દૂરના સરહદી વિસ્તારમાં થયું હતું. તેવામાં ઘરે એકલી રહેતી મહિલાનું અફેર ચાલું થયું હતું. તે આખો દિવસ પોતાના પ્રેમી સાથે ફોન પર નિયમિત વાત કરતી હતી, જેનો તેના સાસુએ વિરોધ કર્યો હતો.

મહિલાના સસરા પણ નોકરીના સંબંધમાં તેના વતન જિલ્લા બહાર રહેતા હતા. સાસુના ઠપકાથી ગુસ્સે થયેલી મહિલાએ એક ભયાનક કાવતરું ઘડ્યું. આવું કાવતરું જે અકસ્માત જેવું લાગે છે અને કોઈને શંકા ન થાય કે તેમની હત્યા કરવામાં આવી છે.

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં આ પરિણીતાએ પોતાના પ્રેમી અને તેના મિત્રો સાથે મળીને મદારી પાસેથી ઝેરી સાપની વ્યવસ્થા કરી હતી. સાપને થેલીમાં મૂકીને પરિણીતાએ ૨ જૂન, ૨૦૧૮ ની રાત્રે તે થેલીને પોતાની સાસુ પાસે રાખી દીધી હતી. સાસુ મહિલા સવારે મૃત હાલતમાં મળી આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો રિપોર્ટમાં આવ્યું કે સાપ કરડવાથી મૃત્યું થયું હતું.

સાપ કરડવાથી મૃત્યુ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં સામાન્ય છે. ઝુનઝુનુ પોલીસ પણ તેને સામાન્ય ઘટના ગણી રહી હતી. પરંતુ પોલીસને ત્યારે શંકા પડી કે જ્યારે તેમને જાણવા મળ્યું કે ઘટનાના દિવસે મૃતક મહિલાની વહુ અને એક પુરુષ વચ્ચે ૧૦૦થી વધુવાર ફોન પર વાતચીત થઈ હતી. એવું પણ બહાર આવ્યું કે આ બંને લાંબા સમયથી ફોન પર એકબીજાના સંપર્કમાં હતા. આ માણસ બીજું કોઈ નહીં પણ મૃતક મહિલાની વહુનો પ્રેમી હતો.

પોલીસે શકના આધારે મહિલા અને તેના પ્રેમીની અટકાયત કરી અને આગવી ઢબે પૂછપરછ કરતાં તેમણે બધું કબૂલી લીધું હતું. જે બાદ પોલીસે તેના પ્રેમીના મિત્રની પણ ધરપકડ કરી હતી. એટલું જ નહીં પૂછપરછના આધારે પોલીસ આ સાપ આપનાર મદારીની પણ ધરપકડ કરી હતી. જેણે આ હત્યામાં ‘હથિયાર’ પૂરું પાડ્યું હતું. આ કેસમાં મદારી સાક્ષી બન્યો અને સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું કે તેણે મહિલાના પ્રેમીના કહેવા પર સાપની વ્યવસ્થા કરી હતી.

મહિલાના પ્રેમી તરફથી વકીલ આદિત્ય કુમાર ચૌધરીએ સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે તેનો અસીલ અપરાધ સ્થળે હાજર નથી. વકીલે દલીલ કરી કે, ‘સાપ કોને કરડશે તે ખબર ન હોય ત્યારે તેને ષડયંત્રનો ભાગ કેવી રીતે ગણી શકાય? માત્ર એક ઝેરી સાપને રૂમમાં છોડી દેવાનો અર્થ એ નથી કે સાપ જાણે છે કે તેને કોને કરડવાનું છે. પોલીસે કોલ રેકોર્ડની વિશ્વસનીયતાની ચકાસણી કરી નથી. મારા અસીલ એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે.

કેસની સુનાવણીમાં બેન્ચે કહ્યું કે, ‘રાજસ્થાનમાં હત્યા માટે ઝેરી સાપનો ઉપયોગ કરવો ઘણી અસામાન્ય વાત છે. તમે જઘન્ય અપરાધ કરવા માટે એકદમ નવો અભિગમ અપનાવ્યો છે. તમે કથિત રીતે આ કાવતરાનો ભાગ હતા અને સાપ આપીને દ્વારા તમે હત્યામાં વપરાતા હથિયારની વ્યવસ્થા કરી હતી. તમે આ તબક્કે જામીન પર મુક્ત થવાને લાયક નથી.

વિશ્વભરમાં દર વર્ષે સાપ કરડવાના લગભગ ૫૦ લાખ બનાવો બને છે, જેના પરિણામે લગભગ ૧ લાખ લોકો મૃત્યુ પામે છે. આમાંથી અડધા મૃત્યુ ભારતમાં થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૯ વચ્ચે ભારતમાં સાપ કરડવાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંદાજિત ૧૨ લાખ છે. એટલે કે, દર વર્ષે સરેરાશ ૫૮ હજાર લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.