Western Times News

Gujarati News

તલાટીએ માહિતી નહીં આપતા અરજદારે મુખ્ય માહિતી કમિશનર ગાંધીનગરને બીજી અપીલ કરી

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં ગામના નાગરિક અજય ચુનીલાલ વસાવા એ ગત તારીખ ૧૫.૬.૨૧ ના રોજ ગ્રામ પંચાયત દુમાલા વાઘપુરા પાસે નમુના “ક” અરજીથી દુમાલા વાઘપુરા ગ્રામપંચાયત તરફથી છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં કરેલ પ્રાથમિક સુવિધાના વિકાસના કામો કયા કયા કરેલ છે

તે અને તેનો ખર્ચ સહિતની તથા સરકારી અનુદાન તથા સને ૧૩,૧૪ અને ૧૫ માં નાણાપંચની વિગતવાર માહિતી તથા અન્ય માહિતી માંગણી કરેલ.દુમાલા વાઘપુરાના તલાટી કમ મંત્રી દ્વારા માહિતી નહીં આપતા તેની સામે મદદનીશ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રી સામે પ્રથમ અપીલ અન્વયે ત્રણ સુનાવણી રાખવામાં આવેલ હતી.

આ સુનાવણી દરમ્યાન પ્રથમ અપીલ અધિકારીએ તા.૬.૯.૨૧ ના રોજ હુકમ કરી મદદનીશ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રી દુમાલા વાઘપુરાને પંદર દિવસમાં માંગેલ માહિતી મોકલી આપવા હુકમ કરેલ હતો.તેમ છતાં અરજદારને કોઈ માહિતી આપવામાં આવી નથી.

અપીલ અધિકારી એ કરેલા હુકમ મુજબ કાયદાનું અમલીકરણ ન કરી આજદિન સુધી કોઈ માહિતી ન મળવાથી અરજદાર અજય ચુનીલાલ વસાવાએ મુખ્ય માહિતી કમિશનર ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને બીજી અપીલ કરેલી છે.અરજદારે મુખ્ય માહિતી કમિશનર પાસે માંગ કરી છે

કે માંગેલ માહિતી જાહેર રેકર્ડની હોય તેમ છતાં કોઇ માહિતી ન આપવા સામે તાકીદે સુનાવણી રાખી માહિતી મળે તેવો આદેશ કરવો.માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલ અરજી બાબતે કોઈ કાર્યવાહી ન કરી અરજદાર સામાજિક અને આર્થિક નુકસાન કરનાર અધિકારનો ખુલાસો અપાવશો.ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી આદેશ કરવાની માહિતી કમિશનર પાસે માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસે માંગેલ માહિતી તેમણે સમયમર્યાદામાં નહીં આપતા અરજદારે તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી હતી તેમ છતાં પણ જવાબ આપેલો નહીં મળતા ઝઘડિયા પ્રાંત અધિકારીએ માગેલ માહિતીની સુનાવણી કરી

તલાટી-કમ-મંત્રી દુમાલા વાઘપુરા ને પંદર દિવસમાં માહિતી આપવાનો હુકમ કર્યો હતો.પ્રાંત અધિકારીના હુકમનો પણ અનાદર કરી દુમાલા વાઘપુરા તલાટી કમ મંત્રી દ્વારા માહિતી નહીં આપતા આખરે અરજદાર અજય વસાવા એ ગાંધીનગર ના દ્વાર ખખડાવવા પડ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.