Western Times News

Gujarati News

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને રિતુ કુમારે કન્ટેમ્પરરી ફેશન અને પરિધાન નિર્માણ માટે ભારતીય કળાની અનોખી ક્ષમતાને પુનઃસ્થાપિત કરવા હાથ મિલાવ્યા

મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) અને અગ્રણી ડિઝાઇનર રિતુ કુમારે સાથે મળીને એક નવા અધ્યાયની શરૂઆત કરવાની જાહેરાત કરી છે, જેમાં ભારતીય કળા અને ટેક્સ્ટાઇલને એક નવો જ આયામ આપવામાં આવશે, જે દેશના કળાકારોની સાંસ્કૃતિક પરંપરાને વ્યક્તિગત પરિધાન અને ફેશનના પ્રવર્તમાન ખયાલોથી આગળ લઈ જશે.

આજે રિતુ કુમારના બિઝનેસમાં ચાર ફેશન બ્રાન્ડનો સમાવેશ થાય છે જે વિશ્વ સ્તરે કુલ 151 પોઇન્ટ ઓફ સેલ્સમાં પથરાયેલો છે. આ તમામ બ્રાન્ડના કેન્દ્ર સ્થાને રિતુ કુમારની ડિઝાઇનના ડીએનએને, કળાકારોની કુશળતા અને પ્રિન્ટને જાળવી રાખે છે તથા દરેકની પોતાની આગવી ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે.

ધ ક્લાસિકલ ‘રીતુ કુમાર’ બ્રાન્ડ ભારતના વસ્ત્ર સૌંદર્ય શાસ્ત્રના સમૃદ્ધ વારસામાં અનોખું અસ્તિત્વ ધરાવે છે. 1970ના દાયકાથી તે સમકાલીન ભારતીય મહિલા કેવી રીતે કપડાં પહેરે છે તેનું પ્રતીક બની રહ્યા છે. તે ભારતની ફેશનની કહાનીમાં અનોખો વારસો છે.

રિતુ કુમારનું લેબલ વર્ષ 2002માં લોન્ચ થયું હતું જે પશ્ચિમી બજારના વૈશ્વિક ગ્રાહક માટે છે. તેની ડિઝાઇન પર બ્રાન્ડના વારસા તેમજ આંતરરાષ્ટ્રીય ફેશન પરિદૃશ્ય બંનેનો પ્રભાવ જોવા મળે છે.

ત્રીજા RI રીતુ કુમાર વૈભવી લગ્ન સમારંભ અને પ્રસંગોપાત જરૂરી વસ્ત્રોની વણઝાર રજૂ કરે છે. તેના ઉત્પાદનોને વારસાગત પરિધાન ગણવામાં આવે છે અને ઉત્તમ કારીગરો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે.

aarké બ્રાન્ડ પોર્ટફોલિયોમાં સૌથી નવો ઉમેરો છે. મોટા ગ્રાહક સમુહ સુધી પહોંચવા માટે સરળ ડ્રેસિંગમાં રિતુ કુમારના સૌંદર્ય શાસ્ત્રનું મિશ્રણ કરતી તે સુલભ પ્રોડક્ટ લાઇન છે.

રિતુ કુમાર હોમ એન્ડ લિવિંગ એ રિતુ કુમારના નેતૃત્વ હેઠળ એક નવું વિસ્તરણ છે જે ઘરો માટે આરામદાયક વૈભવ વ્યાખ્યાયિત કરે છે જે પોતાની અલગ જ કહાની બયાન કરે છે. આ સંગ્રહ ભારતીય કાપડ અને કારીગરીથી પ્રેરિત આધુનિક સામગ્રીઓનું મિશ્રણ છે.

ભારતીય ડિઝાઇનની સંવેદનશીલતામાં છુપાયેલી ઘરઆંગણાની પ્રતિભાને વિકસાવી અને તેને સહાય કરીને તેનું મૂલ્યવર્ધન કરવાના RRVLના પુનર્કેન્દ્રિત થયેલા ધ્યાનને આગળ લઈ જતી ભારતીય ફેશનના માંધાતા એવા રિતુ કુમાર સાથેની આ ભાગીદારી એક નવો જ સીમાચિન્હ સ્થાપશે.

RRVLની પેટાકંપનીઓના વિશાળ રિટેલ નેટવર્કમાંથી મળેલા જ્ઞાન, દેશમાં પ્રીમિયમ બ્રાન્ડ્સ માટે વૈશ્વિક વૈભવી નિર્માણ અને સંવર્ધનનો અનુભવ અને ભારતીય કારીગરી પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતા બ્રાન્ડ રિતુ કુમારને આગળ વધારવા માટે એક મજબૂત મંચ પૂરો પાડશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે, “ખૂબ જ ઓછા દેશો ભારતમાં જોવા મળતા ખાસ કરીને કાપડ અને વણાટના પ્રિન્ટિંગ અને પેઇન્ટિંગમાં મળતા નાવિન્ય, શૈલી અને મૌલિક્તા સાથે મેળ ખાઈ શકે છે.

રિતુ કુમાર સાથે સહભાગિતા કરવામાં અમે આનંદ અનુભવીએ છીએ, કારણ કે તેમની પાસે મજબૂત બ્રાન્ડની સ્વીકૃતિ, વિશાળ સ્તરના વેપારની સંભાવના અને તેમની ફેશન તથા રિટેલમાં નવીનતા છે – સંપૂર્ણ જીવનશૈલી સાથે જોડાય તેવી બ્રાન્ડ બનાવવા માટેના તમામ મુખ્ય ઘટકો મોજૂદ છે.

સાથે મળીને, અમે અમારા મૂળ ટેક્સટાઇલ અને હસ્તકલા માટે મજબૂત પ્લેટફોર્મ અને ગ્રાહક ઇકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ – ભારત અને સમગ્ર વિશ્વમાં બંનેમાં- જેથી અમારી હસ્તકળાને આંતરરાષ્ટ્રીય પરિદૃશ્યમાં યથાયોગ્ય સન્માન અને માન્યતા મળે.”

આ ભાગીદારીનો ઉદ્દેશ્ય નિર્વાહ અને નવીનતાના સમાંતર પાટા પર આંતરરાષ્ટ્રીય પરિધાન નિર્માણ ઉદ્યોગમાં ભારતની ફરીથી ઉભરી રહેલી ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે. આધુનિક એસેસરીઝ, સ્ટાઇલિશ, ટેક્સટાઇલ-સમૃદ્ધ કપડાં અને ભારતના વિશિષ્ટ વસ્ત્રો માટે હસ્તકલાના વિશાળ ભંડાર હેઠળ સમાયેલી જૂની ડિઝાઇન્સ, તેમાં રહેલા મુખ્ય તત્વો અને પેટર્નનું પુન:અર્થઘટન કરવાનો પણ ધ્યેય રહેલો છે.

“આ ખૂબ જ આશાવાદી સહભાગિતા ભારતના પરિધાન ઇતિહાસ અને સંપત્તિના સંશોધન તથા પુનરુત્થાનમાં મેં શરૂ કરેલા કાર્યને આગળ વધારશે અને અમારી ડિઝાઇન ક્ષમતાને પ્રકાશિત કરશે. આ એક એવી કહાની છે જેને ફરીથી ઉજાગર કરવાની જરૂર છે. એક સમયે ભારત પાસે વિશ્વની જીડીપીનો 57% માત્ર તેના કાપડ પર આધારિત હતો, તેમ ભારતના સૌથી જૂના ફેશન હાઉસના સ્થાપક રિતુ કુમારે જણાવ્યું હતું.

આ ભાગીદારી ભારતીય કારીગરોને મળનારા ઉત્તેજન સાથે વ્યવસાયનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે. ભારતના રિટેલ ક્ષેત્રો અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિઓ હાંસલ કરવા માટે કળાને કૌશલ્ય વૃદ્ધિ તથા ટેક્નોલોજીથી સશક્ત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.