Western Times News

Gujarati News

ચોમાસુ પૂરું થયું છતાં શહેરમાં મચ્છરજન્ય રોગોમાં રાહત નહી

અમદાવાદ, ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે અને શિયાળાની અસર ધીમે-ધીમે વર્તાઈ રહી છે. શિયાળાની ઋતુ આવી ગઈ હોવા છતાં મચ્છરજન્ય રોગો હાહાકાર મચાવી રહ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ઘટતાં નથી દેખાઈ રહ્યા. છેલ્લા પંદર દિવસમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના હજારો કેસો નોંધાયા છે. જાેકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે માત્ર ૫,૦૦૦ જેટલા કેસ નોંધાયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર, શહેરમાં વરસાદી માહોલ નથી અને ખુલ્લા પ્લોટ, ખાડામાં પાણી ભરાયા હતા તે સૂકાઈ ગયા છે. પરંતુ તળાવો અને બાંધકામ સાઈટ્‌સ તથા નાગરિકોના ઘરે વિવિધ પાત્રોમાં ભરાઈ રહેતા પાણીમાં મચ્છરની ઉત્પત્તિ ચાલુ છે. ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતાં મચ્છર મોટાભાગે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવી રહ્યા છે.

સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, પૂર્વ અમદાવાદના નારોલથી નરોડા સુધીના પટ્ટામાં ચિકનગુનિયાના કેસ વધારે જાેવા મળી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરોમાં ખાનગી દવાખાનાઓ કરતાં વધારે લાઈન લાગે છે. કેટલાય દર્દીઓના સગાં ડૉક્ટર પાસે જવાને બદલે બારોબાર મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ રહ્યા છે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પૂર્વ અમદાવાદમાં ડેન્ગ્યુના કેસ ઓછા છે પરંતુ પશ્ચિમ અમદાવાદમાં તેનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. પશ્ચિમમાં પણ ગરીબ વર્ગ અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા જાય છે. જ્યારે મધ્યમ વર્ગ અને અમીરવર્ગ પોતાના ફેમિલી ફિઝિશિયન પાસે કે નાના-મોટા દવાખાના અને હોસ્પિટલોમાં સારવાર લેવા જાય છે.

જેમાંથી મોટી તથા મધ્યમ કક્ષાની હોસ્પિટલોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતાને તાવના કેસની વિગતો આપવામાં આવે છે પરંતુ નાના દવાખાનાઓમાં સારવાર લેતાં દર્દીઓની વિગત મ્યુનિ. ચોપડે નોંધાતી નથી. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે તાવના કેસની સંખ્યા સામાન્ય જાેવા મળે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલોમાં તાવની ફરિયાદ લઈને આવતાં દર્દીઓમાંથી અમુકના જ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. જે મુજબ છેલ્લા પંદર દિવસમાં ૪૩ હજાર લોકોના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.