Western Times News

Gujarati News

વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર મહાઠગની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ, આજના સમયમાં અનેક લોકોને વિદેશ જવાનું સપનું હોય છે. ત્યારે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનું પણ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. આવી ઘટના અમદાવાદમાં પણ સામે આવી છે. ઘાટલોડિયામાં વિદેશ મોકલવાનું સપનું બતાવીને છેતરપિંડી કરનાર મહાઠગની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી છે. વિદેશની નકલી ટિકિટ આપીને રૂ ૨૩ લાખની ઠગાઈ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિદેશ મોકલવાના સપના દેખાડી લાખો રૂપિયા પડાવનાર મિતેશ શાહ નામના મહાઠગની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કલોલના જાસપુર ગામના ખેડૂત દિનેશભાઈ પ્રજાપતિ પોતાના પુત્ર અને પુત્રવધુને વર્ક પરમીટ પર કેનેડા મોકલવા ઈચ્છતા હતા. તેમને પોતાના સબંધી શૈલેષ પ્રજાપતિ દ્વારા મિતેષ શાહનો સંપર્ક કર્યો.

મિતેશ શાહએ વિદેશ મોકલી આપવાના મોટા સપના બતાવ્યા અને વર્ક પરમીટ વિઝા ની ફીના બહાને રૂ ૫.૪૨ લાખ પડાવ્યા હતા. એટલું જ નહીં વિઝાનું કામ ઝડપી કરવા માટે કારની જરૂર હોવાનું બહાનું બતાવીને દિનેશ ભાઈની ગાડી રૂ ૧.૫૨ લાખમાં ખરીદી જેમાં ૬૨ હજાર આપ્યા જ્યારે ૯૦ હજાર બાકી રાખ્યા હતા.

એક વર્ષ બાદ પણ વર્ક વિઝા નહિ થતા અને ગાડીના પૈસા પરત નહિ મળતા દિનેશભાઇએ પૈસા પરત માંગતા આરોપીએ પૈસા આપવાનો ઈનકાર કરીને ધમકી આપી હતી. જેથી દિનેશભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી મિતેશ શાહ છેલ્લા ૪ વર્ષથી વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે. દિનેશભાઈની સાથે ચિંતન પ્રજાપતિ નામના યુવકને પણ સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને ૧૬ લાખ પડાવ્યા હતા. ચિંતન પ્રજાપતિને યુ કેમાં સ્ટુડન્ટ વિઝા આપવાની વાત કરીને નકલી એર ટિકિટ આપી હતી.

વિદેશ જવાની ખુશીમાં એરપોર્ટ ગયા બાદ ખબર પડી કે આ ટિકિટ નકલી છે અને ત્યાર બાદ મિતેશ શાહ પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ઘાટલોડિયા પોલીસે બાતમીના આધારે મિતેષની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી.. વિઝા કૌભાંડમાં મહાઠગ મિતેષ શાહ તો પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે પરંતુ શૈલેષ પ્રજાપતિ હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે બે ગુનાનો ભેદ ઉકેલાયો છે જ્યારે મિતેષ વધુ કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.