Western Times News

Gujarati News

પૂંછમાં સેનાના ગોળીબારમાં આતંકી જિયા મુસ્તફા માર્યો ગયો

જમ્મુ, જમ્મુ -કાશ્મીરમાં રવિવારે વહેલી સવારે પૂંછમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી અને એક સૈન્ય અધિકારી ઘાયલ થયા હતા. છેલ્લા બે સપ્તાહથી પૂંછ જિલ્લાના ડુંગરોમાં સ્થિત ગાઢ જંગલોમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ૧૧ ઓક્ટોબરથી ૧૪ ઓક્ટોબર વચ્ચે થયેલા આ એન્કાઉન્ટરમાં આતંકીઓ સામે લડતા લડતા સેનાના ૯ જવાન શહીદ થયા છે.

અહીં જમ્મુ અને કાશ્મીર પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘પૂંછ એન્કાઉન્ટર દરમિયાન પાકિસ્તાની લશ્કર આતંકવાદી જિયા મુસ્તફાને આતંકવાદીઓને શોધવા ભાટા અંતર સુધી લઈ જવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેના અને પોલીસની સંયુક્ત ટીમ પર ફરીથી ગોળીબાર શરૂ કર્યો હતો.

આ ફાયરિંગમાં બે પોલીસકર્મી અને એક આર્મી ઓફિસર ઘાયલ થયા છે. આ ફાયરિંગમાં આતંકવાદી જિયા મુસ્તફા પણ ઘાયલ થયો હતો અને ભારે ગોળીબારને કારણે તેનો મૃતદેહ ઘટનાસ્થળેથી તાત્કાલિક હટાવી શકાયો નહોતો. બાદમાં પોલીસે પુષ્ટિ કરી કે, મુસ્તફાનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો હતો.

શનિવારે પોલીસ મુસ્તફાને કોટ બલવાલ જેલમાંથી ૧૦ દિવસના રિમાન્ડ પર મેંધર લઈ ગઈ હતી. જિયા મુસ્તફા કોટ બલવાલ જેલમાં બંધ હતો, જ્યાંથી તે પાકિસ્તાન સ્થિત લશ્કર નેતાઓના સંપર્કમાં હતો. મુસ્તફાની જમ્મુ અને કાશ્મીર પોલીસે ૨૦૦૩માં ધરપકડ કરી હતી અને તે જ વર્ષે માર્ચમાં થયેલા કાશ્મીરી પંડિતોના નદીમાર્ગ હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવે છે.

૨૦૦૩માં, શ્રીનગરમાં જમ્મુ -કાશ્મીરના તત્કાલીન ડીજીપી એ.કે.સુરીએ ૧૦ એપ્રિલે મુસ્તફાની ધરપકડની જાહેરાત કરી હતી, મુસ્તફાની પ્રેસ કોન્ફરન્સ પરેડ કરવામાં આવી હતી અને તેની ધરપકડને મોટી સફળતા ગણાવી હતી. ત્યારે સૂરીએ મુસ્તફાને લશ્કરનો જિલ્લા કમાન્ડર ગણાવ્યો હતો, જે ૨૪ કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ હતો.

આ કાશ્મીરી પંડિતો પુલવામા જિલ્લાના નદીમાર્ગ ગામમાં તેમના ઘરે રોકાયા હતા ત્યારે તેઓની ગોળીમારીને હત્યા કરાઇ હતી. તત્કાલિન પોલીસ વડાએ કહ્યું હતું કે, મુસ્તફા પાસેથી એક એકે-૪૭ રાઈફલ, દારૂગોળો, વાયરલેસ સેટ અને અન્ય દસ્તાવેજાે પણ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મુસ્તફા વિક્ટર સહિત વિવિધ નામોથી જાણીતો હતો.

રિપોર્ટ અનુસાર, મુસ્તફાએ પોલીસ તપાસકર્તાઓને કહ્યું હતું કે, તેને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના નેતાઓએ કાશ્મીરી પંડિતોની હત્યા કરવા માટે કહ્યું હતું. નદીમાર્ગ હત્યાકાંડ એવા સમયે થયો હતો જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકાના આતંકવાદ પછી સુરક્ષાની સ્થિતિમાં સુધારો થવાનું શરૂ થયું હતું, પાકિસ્તાનમાં જનરલ પરવેઝ મુશર્રફે એવો દાવો કર્યો હતો કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની લગામ પકડી લેવામાં આવી છે.

પડદા પાછળની વાટાઘાટોમાં, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ તરફ આગળ વધી રહ્યા હતા અને ૨૦૦૩ના અંતમાં તેના પર સહમતિ થઈ હતી. ૧૯૯૦માં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત દરમિયાન મોટાભાગના લોકોએ નદીમાર્ગ છોડી દીધો હતો. પરંતુ લગભગ ૫૦ લોકોએ ખીણમાં રહેવાનો ર્નિણય કર્યો હતો.

૨૩ માર્ચ ૨૦૦૩ના રોજ, આર્મી ડ્રેસમાં સજ્જ આતંકવાદીઓએ તેમના ઘરની બહાર ઊભેલા ૧૧ પુરુષો, ૧૧ મહિલાઓ અને ૨ બાળકોને ગોળી મારી દીધી હતી. આ ઘટના પછી, બાકીના કાશ્મીરી પંડિતોએ પણ ખીણ છોડી દીધી. રવિવારે બનેલી ઘટના પરથી એ વાતની પુષ્ટિ થઈ છે કે, આતંકવાદીઓ હજુ પણ પૂંછના ભાટા વિસ્તારમાં આવેલા જંગલોમાં છુપાયેલા છે. પરંતુ, સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, કોટ બલવાલ જેલમાં બંધ મુસ્તફા તેના પાકિસ્તાની આકાઓના સંપર્કમાં હતો, જેનાથી જેલની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.