Western Times News

Gujarati News

નેવી કાંડ: આંધ્રપ્રદેશ પોલીસે ગોધરાથી ૫ની ધરપકડ કરી

ગોધરા, વિશાખાપટનમ- વર્ષ ૨૦૧૯ના જાસૂસી કેસના સંદર્ભમાં આંધ્રપ્રદેશ કાઉન્ટર-ઈન્ટેલિજન્સ પોલીસ દ્વારા ગોધરામાંથી એક મહિલા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આંધ્રપ્રદેશ પોલીસ દ્રારા ગુજરાત પોલીસની મદદથી સોમવારે રાત્રે આ ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ના આ જાસૂસી કેસમાં નેવીના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર, પાંચ આરોપીઓમાંથી એક અલ્તાફ હુસૈન હારુન ઘાંસી કથિત રીતે અલગ અલગ કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ કરીને પાકિસ્તાનની કોઈ વ્યક્તિને ભારતીય વોટ્‌સએપ અકાઉન્ટનો ઉપયોગ કરવામાં મદદ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે ૨૦મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ કુલ ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સાત લોકો વિશાખાપટ્ટન, મુંબઈ અને કરવરના નેવીના ખલાસીઓ હતા. આ સિવાય મુંબઈના એક હવાલા ઓપરેટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પર આરોપ હતો કે તેઓ મહિલાની મદદથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા હતા. આ મહિલાએ નેવીના અધિકારીને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

ત્યારપછી આ કેસમાં અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સ્થિત માસ્ટરમાઈન્ડ દ્વારા જાસૂસી માટે વોટ્‌સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે તેમણે નેવીના અમુક અધિકારીઓને લાલચ આપીને ડિફેન્સ ઈન્સ્ટોલેશનની અત્યંત સંવેદનશીલ માહિતી માંગી હતી.

આ લોકો પર નેવી અધિકારીઓના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ પણ છે. ઉલ્લેખનીય છે કે ગોધરાથી જે અલ્તાફ હુસૈનની ધરપકડ કરવામાં આવી છે તેને આ કેસનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.

આંધ્રપ્રદેશ પોલીસે આ ઓપરેશનને ઓપરેશન ડોલ્ફિન નોઝ નામ આપ્યુ હતુ જેના અંતર્ગત દેશભરમાં તપાસ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ પોલીસ, સેન્ટ્રલ સિક્યોરિટી એજન્સીઓ અને નેવી ઈન્ટેલિજન્સના સહકારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ લોકો પર આરોપ છે કે તેમણે આઈએસઆઈના હેન્ડલરને ભારતની શિપ અને સબમરિની પોઝિશન વિષે જાણકારી આપી હતી.

સોમવારના રોજ આંધ્રપ્રદેશ પોલીસ ગોધરા પહોંચી હતી અને લોકલ પોલીસની મદદથી આરોપીઓની ધરપકડ કરી હતી. આ સિવાય તેમના ઘરની પણ તલાશી લીધી હતી. આરોપીઓના મોબાઈલ અને અન્ય સામગ્રીઓ જપ્ત કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે અલ્તાફે વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.