Western Times News

Gujarati News

મ્યુનિ. એસટીપી પ્લાન્ટની લેબોરેટરીઓમાં ચાલતી લાલિયાવાડી

કરોડો રૂપિયા લીધા બાદ પણ ઓપરેટરો શરત મુજબ લેબ. ચલાવતા નથી: નદીમાં પાણી છોડતા પહેલા કલોરીનેશન અંગે પ્રશ્નાર્થ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઉત્પન્ન થતા વોટર સુઅરેજને ટ્રીટ કરી સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. એક અંદાજ મુજબ શહેરમાં દૈનિક ૮૦૦થી ૯૦૦ એમએલડી વોટર સુઅરેજ પેદા થાય છે જેની સામે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ઓછી છે તથા જે સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપલબ્ધ છે તેમાં ધારાધોરણ મુજબ કામ થતા નથી. સાબરમતી નદીને વધુ પ્રદુષિત થતી અટકાવવા માટે સ્પેશ્યલ જાેઈન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા મ્યુનિ.

સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડરની શરતોનો સરેઆમ ભંગ થતો જાેવા મળ્યો હતો. ટેન્ડર શરત મુજબ ઓપરેટરો (કોન્ટ્રાકટર) જે તે પ્લાન્ટમાં લેબોરેટરી મામલે લાલિયાવાડી ચલાવી રહયા હોવાની વિગતો પણ જાહેર થઈ છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપરેશન મેઈન્ટેન્સ માટે આપવામાં આવે છે ત્યારે તેના ટેન્ડરમાં એક મહત્વની શરત હોય છે જે તે એસટીપીમાં ઓપરેટર દ્વારા ેલેબોરેટરી તૈયાર કરવાની રહે છે તથા તેમાં નિષ્ણાત અને અનુભવી સ્ટાફ (કેમીસ્ટ સહીત) રાખવાનો રહે છે.

એસટીપીમાં જે સુઅરેજ વોટરની આવક થાય તેના તથા સુઅરેજ વોટર ટ્રીટ થયા બાદ ના પેરામીટરની ચકાસણી કરવાની જવાબદારી જે તે પ્લાન્ટના ઓપરેટરની રહે છે. પરંતુ ટાસ્ક ફોર્સની વીઝીટ દરમ્યાન મોટાભાગના પ્લાન્ટમાં લેબોરેટરી મામલે લાલિયાવાડી જાેવા મળી હતી. લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટેના સાધનો અને નિષ્ણાત કેમીસ્ટનો અભાવ જાેવા મળ્યો હતો.

ટેન્ડર શરત મુજબ પ્લાન્ટમાં સુઅરેજ વોટરની આવક થાય તે સમ્પથી ટ્રીટેડ વોટર નદીમાં છોડવામાં આવે ત્યાં સુધી દરેક તબકકે તેના ટેસ્ટીંગ કરવા ફરજીયાત છે. પરંતુ દર વરસે કરોડો રૂપિયા લેતા ઓપરેટરો આ પ્રકારના ટેસ્ટ કરવાની દરકાર રાખતા નથી તથા તેના રીપોર્ટ રેકોર્ડ પણ જાળવતા નથી.

શરમજનક બાબત એ છે કે આ ઓપરેટરો જયારે શંકાના દાયરામાં આવે છે ત્યારે કેટલાક અધિકારીઓની સાથે સાંઠગાંઠ કરીને અન્યના શીરે ઠીકરો ફોડવા પ્રયાસ કરે છે. સુત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ. લેબોરેટરી દ્વારા નિયમિત રીતે સક્ષમ સત્તાને રીપોર્ટ આપવામાં આવે છે.

ભુતકાળમાં જલવિહારના ટ્રાયલ રન સમયે પૂર્વ સીટી ઈજનેર દ્વારા બંધ કવરમાં રીપોર્ટ લેવામાં આવતા હતા જેની કોપી કમિશ્નરને આપવામાં આવતી હતી. જલવિહાર ટ્રાયલરન ના રીપોર્ટમાં ઉચ્ચકક્ષાએથી જ ગેરરીતી થઈ હોવાના આક્ષેપ જે તે સમયે થયા હતા તે અલગ બાબત છે.

સાબરમતી નદીમાં છોડવામાં આવતા દુષિત પાણી મુદ્દે જાેઈન્ટ ટાસ્ક ફોર્સની વીઝીટ દરમિયાન એસટીપી ઓપરેટરો દ્વારા લેબોરેટરીમાં ચાલતી લાલિયાવાડી અલગ રીતે પકડી પાડવામાં આવી હતી. સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે જે તે એસટીપીમાં ટેસ્ટીંગ માટે ઉપયોગમાં લેવામાં આવતા કેમીકલ ખરીદીના બીલ અને ઉપલબ્ધ જથ્થાના ક્રોસ ચેકીંગ કરવામાં આવ્યા હતા જેમાં પણ કેમીકલનો ઉપયોગ તથા નિયમિત ટેસ્ટીંગ થતા ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મ્યુનિ. એસટીપી વિભાગ દ્વારા ઓપરેશન- મેઈન્ટેન્સના જે કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેમાં કલોરીનેશનનો પણ સમાવેશ થાય છે. પ્લાન્ટમાં સુઅરેજ વોટર ટ્રીટ થયા બાદ તેને નદીમાં છોડવામાં આવે તે પહેલા તેનું કલોરીનેશન ફરજીયાત છે.

એસટીપીના ઓપરેટરો આ કામગીરી કરે છે કે કેમ? તેઓ લીકવીડ કલોરીનનો ઉપયોગ કરે છે કે ગેસ કલોરીનનો ઉપયોગ કરે છે ? તે બાબતની ચકાસણી જવાબદાર અધિકારીઓ કરે છે કેમ ? તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.