Western Times News

Gujarati News

ગુજરાતમાં પેટ્રોલની કિંમત ૧૦૫ રૂપિયાને પાર, ડીઝલમાં પણ વધારો

અમદાવાદ, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. તહેવાર ટાણે પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલો વધારો ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની કમર તોડી નાખે તે રીતે વધી રહ્યો છે. આંતરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે.

શુક્રવારે અમદાવાદ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સતત ભાવમાં વધારો થવાના કારણે શહેરમાં પ્રતિલીટર પેટ્રોલનો ભાવ ૧૦૫.૨૬ રૂપિયા પર પહોંચી ગયો છે, શુક્રવારે પેટ્રોલની કિંમતનો આંકડો ૧૦૫ને પાર થઈ ગયો. એક દિવસમાં પેટ્રોલના ભાવમાં ૩૪ પૈસાનો વધારો થયો છે.

જ્યારે ડીઝલની કિંમત પણ ૧૦૪.૯૫ રૂપિયા પ્રતિલીટર સાથે ૧૦૫ રૂપિયાથી માત્ર ૫ પૈસા જ દૂર છે. કિંમતમાં થઈ રહેલા સતત વધારાના કારણે વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે અને સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલને નિયંત્રણમાં રાખવા માટે જરુરી પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ વર્ષે ૧૫ એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત ભાવ વધારાના કારણે ઝડપથી આંકડો પ્રતિલીટર ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. ૨૫ એપ્રિલથી ૨૯ ઓક્ટોબર સુધી એટલે કે લગભગ ૬.૫ મહિનાના સમયમાં પેટ્રોલ અને ડીઝલ બન્નેના ભાવમાં લગભગ ૨૦% જેટલો વધારો થયો છે.

એ સમયે પ્રતિલીટર પેટ્રોલનો ભાવ ૮૭.૫૭ રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ ૮૬.૯૬ રૂપિયા હતો. એક તરફ કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે અને દિવાળીના તહેવાર પર ખરીદી માટે અને બહારગામ જવા માટે લોકો બહાર નીકળી રહ્યા છે.

આવામાંં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થતા વાહનચાલકોના ખિસ્સા પર વધારે ભાર પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારના કારણે ટ્રાન્સપોર્ટ અને ઘર વપરાશની અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.