Western Times News

Gujarati News

મોદીએ રોમમાં ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

રોમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી જી૨૦ સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારના રોજ ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા હતા. યાત્રાના પ્રથમ દિવસે, પીએમ મોદીએ રોમમાં પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દરમિયાન ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત પણ કરી હતી.

૨૦૨૦ની શરૂઆતમાં વૈશ્વિક મહામારી ફાટી નીકળ્યા પછી આ પ્રથમ ઇન-પર્સન જી૨૦ સમિટ છે. વડાપ્રધાને આ પહેલા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે સંયુક્ત બેઠક કરી હતી.

વડાપ્રધાન પિયાઝિયા ગાંધી ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી-મોદી’ના નારા સાથે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને આ લોકો સાથે વાતચીત પણ કરી હતી. રોમના રસ્તાઓ સંસ્કૃત શ્લોક અને ‘મોદી-મોદી’ના નારા ગુંજી ઉઠ્‌યા હતા.

વડાપ્રધાન મોદી ૨૯ ઓક્ટોબરથી ૨ નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની યાત્રા પર રહેશે. જ્યાં ૨૯થી ૩૧ ઓક્ટોબર સુધી ઇટાલીમાં જી-૨૦ ગ્રૂપ ઓફ કન્ટ્રીઝ સમિટમાં ભાગ લેવા માટે રોમ (ઇટાલી)માં હશે અને ત્યારબાદ ૨૬મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી-૨૬)માં વર્લ્‌ડ લીડર્સ સમિટમાં ભાગ લેવા બ્રિટનના ગ્લાસગો જશે.

પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીની મુલાકાત ઇટલી, સ્પેન, સિંગાપુરના પ્રધાનમંત્રી, જર્મનીના ચાંસલર, ફ્રાંસ અને ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત યૂરોપિયન અને યૂરોપિયન કાઉંસિલના અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. કૂટનીતિક મુલાકાતો ઉપરાંત બધાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાંસિસની મુલાકાત પર હશે.

વડાપ્રધાન મોદી વેટિકનમાં પોપની પ્રાઇવેટ લાઇબ્રેરીમાં ૩૦ ઓક્ટોબરની સવારે મુલાકાત કરશે. આ ઉપરાંત વેટિકનમાં પોપ મુખ્ય સલાહકાર જેમને ‘કાર્ડિનલ સેક્રેટરી ઓફ સ્ટેટ’ કહેવામાં આવે છે તેમની સાથે પણ મુલાકાત કરશે.

સમિટના પ્રથમ દિવસે વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક સ્વાસ્થ્ય’ પર ચર્ચા થશે, જ્યારે બીજા દિવસે પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં ખાનગી નાણાંની ભૂમિકા પર વક્તવ્ય આપવામાં આવશે. આ સાથે બીજા દિવસે વિશ્વના નેતાઓ ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ, સતત વિકાસ સહિતના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.