Western Times News

Gujarati News

દારૂની હેરાફેરી કરવા વાહન ચોરતો શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂનો ધંધો કરવા માટે વાહનો ચોરતી ટોળકીનાં એક સભ્યને ઝડપી લીધો છે. આ શખ્સ પોતાનાં સાગરીતો સાથે મળી બાઈક ચોરતો હતો અને બાદમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા તેમનો ઉપયોગ કરતો હતો.

આ અંગેની વિગત એવી છે કે પીઆઈ પી.બી.દેસાઈની ટીમનાં પીએસઆઈ આઈ.એસ.રબારીને એક વાહનચોરની બાતમી મળતા તેને જશોદાનગર ચાર રસ્તા પાસેથી ઝડપી લેવાયો હતો. ઝડપાયેલા અલી હસન ઉર્ફે અજ્જુ ઉર્ફે અચુ સઈદ અહેમદ અંસારી (સુરતી સોસાયટી, રામોલ)ની કડક પૂછપરછ કરતાં પોતે અગાઉ વર્ષ ૨૦૧૯માં ક્રાઈમ બ્રાંચના જ હાથે પ્રોહીબીશનનાં ગુનામાં પકડાયા બાદ જામીન પર છુટીને ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂનો ધંધો કરતો હોવાનું કહ્યું હતું.

આ ધંધામાં વાહનોની જરૂર પડતી હોવાથી તેણે પોતાનાં સાગરીતો મોહમંદ ફૈઝલ, અફઝલ ઉર્ફે ભોલા (બંને રહે.સુરતી સોસાયટી, રામોલ) તથા એઝાઝખાન પઠાણ (જુહાપુરા) અને એક સગીર સાથે મળી જુદાં જુદાં વિસ્તારોમાંથી વાહનો ચોરીને તેમનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરતો હતો.

બાદમાં વાહનો છુપાવી રાખતાં હતા. તાજેતરમાં અલીહસનનાં સાગરીતો ગોમતીપુર પોલીસનાં હાથે ઝડપાઈ જતાં તેનું પણ નામ ખુલ્યું હતું. જેમાં તે નાસતો ફરતો હતો. બીજી તરફ આખી ટોળકીની તપાસમાં ૮ વાહનચોરી તથા બે પ્રોહીબીશનનાં ગુનાનાં ભેદ ખુલ્યાં છે.
જ્યારે અરુણ પટણી (ચમનપુરા, શાહીબાગ) નામનાં વાહનચોરને પણ ઝડપી લઈને રાણીપ તથા અસારવામાં થયેલી બે એક્ટીવા ચોરીનાં ભેદ ઊકેલ્યા હતાં. તપાસમાં અરુણે પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મિત્ર સાથે મળી ચોરી કર્યાનું કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.