Western Times News

Gujarati News

ગીતામંદીરથી આંગડીયાનો થેલો ચોરનાર શખ્શને ક્રાઈમબ્રાંચે ઝડપી લીધો

ક્રાઈમબ્રાંચે ૧૦૦ કરતાં વધુ સીસીટીવી તપાસ્યાઃ બાતમીદારોએ ચોરને ઓળખી લીધોઃ ૮ લાખના દાગીના રીક્વર

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ખુબ જ વ્યસ્ત એવા ગીતા મંદીર એસ.ટી બસ સ્ટેન્ડમાંથી અઠવાડીયા અગાઉ ૧૮.૪ર લાખથી વધુના દાગીના ભરેલો થેલો ચોરી એક શખ્શ પલાયન થઈ ગયો હતો જે અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટનાની તપાસ કરતા શહેર ક્રાઈમબ્રાંચની ટીમે બેગ ચોરનાર શખ્શને ઝડપી લઈ રૂપિયા આઠ લાખના દાગીના રીકવર કરી લીધા છે. આ અંગેની વિગત એવી છે કે ગયા બુધવારે એસ.ટી બસ સ્ટેન્ડ, ગીતામંદીર ખાતેથી ૧૮.૪ર લાખ રૂપિયાના સોના તથા ચાંદીના દાગીના ભરેલા થેલા સાથે એક વ્ય્કિ્ત બસમાં બેઠા હતા

જેની નજર ચુકવી ગઠીયો થેલો લઈ પલાયન થઈ ગયો હતો. આ ઘટનાની તપાસ ક્રાઈમબ્રાંચના પીઆઈ દેસાઈ પણ ચલાવી રહયા હતા ત્યારે તેમની ટીમને એક શખ્શની માહીતી મળી હતી જેને નરોડા બેઠક ત્રણ રસ્તા ખાતેથી ઝડપી લેવાયો હતો તપાસમાં તેનું નામ પરસોત્તમ ઉર્ફે પચીયો ઉર્ફે પચુ સોલંકી (વિમલનાથ એપાર્ટમેન્ટ નરોડા) હોવાનું બહાર આવ્યું છે

પોલીસ પુછપરછમાં પરસોત્તમ પોતાના મિત્ર અશ્વિન છારા સાથે એસ.ટી. બસ સ્ટેન્ડે બેગ લિફટીંગ કરવા ગયા હતા દરમિયાન અશ્વિને બસમાં બેઠેલા પેસેન્જરની નજર ચુકવીને થેલો ચોરી બારીમાંથી પરસોત્તમને આપી દીધો હતો જે લઈને તે બંને રીક્ષામાં બેસી ઘરે જવા નીકળ્યા હતા.

બગાસું ખાતાં પતાસું મળ્યું
બેગ લિફટીંગ માટે નીકળેલા પરસોત્તમ અને અશ્વિને રીક્ષામાં બેસીને થેલો તપાસતા તેમાંથી સોના ચાંદીના દાગીના મળતા બંને ચોંકી ગયા હતા અને કુબેનગર જઈ અશ્વિને વધુ દાગીના હોવાથી હાલ ન વેચવાનું નકકી કરીને થેલો પોતાની પાસે રાખી લીધો હતો.

ભાગલા પાડ્યા અને પોલીસે ઝડપી લીધો_અશ્વિને થોડાં દિવસ બાદ ભાગ પાડીશું તેમ કહીને થોડા દિવસ જવા દિધા હતા. બાદમાં અશ્વિને તેના ઘરે બોલાવીને પરસોત્તમને અડધા દાગીના આપી દીધા હતા જે લઈને પરસોત્તમ ઘરે આવી ગયો હતો એ જ દિવસે પોલીસે ઝડપી લીધો હતો.

ક્રાઈમબ્રાંચે ૧૦૦ કરતાં વધુ સીસીટીવી તપાસ્યા
આ અંગે પીઆઈ દેસાઈએ જણાવ્યું હતું કે ઘટનાના સીસીટીવી કુટેજ મળ્યા બાદ આરોપીના આગળના ટ્રેકના ૧૦૦ કરતા વધારે સીસીટીવી કેમેરાના કુટેજ તપાસ્યા હતા દરમિયાન પરસોત્તમનો ચહેરો કલીયર મળી આવતા બાતમીદારોને સક્રીય કર્યા હતા જેમાં પરસોત્તમ ઓળખાયો હતો. ક્રાઈમબ્રાંચે પરસોત્તમની વધુ પુછપરછ હાથ ધરી છે બીજી તરફ બાકીના દાગીના લઈને ફરાર થયેલા અશ્વિન છારાને પણ ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.