Western Times News

Gujarati News

નાર ખાતે ખેડૂત બજારનો પ્રારંભઃ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે

પેટલાદ,  પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા નાર ખાતે મંગળવારથી ખેડૂત બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંગળવારથી શુભારંભ થયેલ ખેડૂત બજારનો લાભ તાલુકાના હજારો ખેડૂતો અને વેપારીઓને મળવાપાત્ર રહેશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે આશરે નવ વિઘા જમીન ઉપર મંગળવારથી આ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પેટલાદના તારાપુર – ધર્મજ હાઈ વે સ્થિત નાર ખાતે આશરે નવ વિઘા જમીન ઉપર આજે લાભપાંચમના પવિત્ર દિવસથી ખેડૂતોના હિતમાં બજારનો પ્રારંભ એપીએમસી દ્વારા કરવામાં આવ્યો છે. આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તથા એપીએમસીના ચેરમેન તેજસભાઈ (જીગાભાઈ) પટેલના પ્રમુખ સ્થાનેથી આ બજાર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા એપીએમસીના ચેરમેન તેજસભાઈએ જણાવ્યું હતું કે આપણી પાસે જગ્યાના અભાવને કારણે ભાડે જગ્યા રાખી આ બજાર શરૂ કરવામાં આવ્યું છે. અહિયાં તાલુકાની ૨.૨૬ લાખ હેક્ટર જમીન ઉપર ખેતી કરતાં હજારો ખેડૂતોને પોતાનો પાક પોષણક્ષમ ભાવે વેચવાનો લાભ મળશે.

અત્યાર સુધી કેટલાય ખોટા વેપારીઓ બની ખેડૂતોને ભોળવી માલ લઈ જઈ નાણાં ચૂકવતા ન હોવાની ઘટનાઓ બનતી હતી. ઉપરાંત ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ પણ નહિં મળતાં શોષણ થતું હતું. જેથી અહિયાં ખેડૂતો વર્ષ દરમ્યાન કોઈપણ પાક યોગ્ય બજાર ભાવથી વેપારીને એપીએમસીના મધ્યસ્થીથી વેચી નાણાં ત્વરિત મેળવી શકશે.

આજરોજ શરૂ થયેલ આ બજારમાં ખેડૂતો પોતાનો પાક લઈ વેચવા આવવાનો પણ પ્રારંભ થઈ ગયો હોવાનું તેજસભાઈએ જણાવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં એપીએમસીના ડિરેક્ટરો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, જીલ્લા – તાલુકા પંચાયતના સભ્યો, સહકારી આગેવાનો, ખેડૂતો, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઔષધિ પાકો શરૂ કરાશે
આ બજાર બારેમાસ કાર્યરત રહેશે, જેથી ખેડૂતો કોઈપણ પાક વેચી શકશે. પરંતુ સાથોસાથ જે ખેડૂતોને આયુર્વેદિક ઔષધિઓનું ઉત્પાદન કરવું હશે તેઓ માટે પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. આ અંગે આયુષ મંત્રાલય સાથે વાટાઘાટો ચાલુ હોવાનું તેજસભાઈએ જણાવ્યું હતું. ઔષધીય ખેતીને કારણે આ વિસ્તારના ખેડકતોને સરકારના લાભ મળવા ઉપરાંત આર્થિક ઉપાર્જન પણ થવાનું જણાવ્યું હતું.

ખેડૂતોને પ્રોત્સાહન
આ બજારનો વધુને વધુ લાભ ખેડૂતો લઈ યોગ્ય નાણાં મેળવી શકે તે માટે પેટલાદ એપીએમસી દ્વારા શેષ પરત કરવાનું પણ અમલી બનાવ્યું છે. અહિયાં જે વેપારી માલ ખરીદે છે તેની રકમ ઉપર એક ટકો જે શેષ લેવામાં આવે છે તે વેચનાર ખેડૂતને પરત આપવામાં આવનાર હોવાનું એપીએમસી ચેરમેને જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.