Western Times News

Gujarati News

રાજ્યની તમામ શાળાઓમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ભારત’નો સંકલ્પ લેવાશે

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે  તા. ૨ જી ઓક્ટોબરના રોજ શિક્ષકો જિલ્લા-તાલુકા મથકે ખાદીની ખરીદી કરશે

સમગ્ર રાજ્યમાં તા. ૨ જી ઓક્ટોબરના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો સમાપ્તિ કાર્યક્રમ યોજાનાર છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ ઉજવણીનું અનોખું આયોજન કરાયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લીધો છે ત્યારે આ સંકલ્પ ને સાકાર કરવા તા. ૨ જી ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ-સરકારી અનુદાનીત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રામજનો સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લેશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ તા. ૨ જી ઓક્ટોબરના રોજ જાહેર થનાર છે ત્યારે રાજ્યની શાળાઓમાં આ માટેનો સંકલ્પ લેવાશે. ખાસ કરીને બાળકોમાં પ્લાસ્ટિક મુક્ત ભારતની વિભાવના સાર્થક થાય અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી બાળકો દૂર રહે તેવા હેતુથી બાળકો પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લેવડાવાશે. બાળકોની સાથે શિક્ષકો તથા ગ્રામજનો પણ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ બીજી ઓક્ટોબરના રોજ લેશે.

તા. ૨ જી ઓક્ટોબરના રોજ શિક્ષક, વિદ્યાર્થી કે ગ્રામજનો દ્વારા પ્લાસ્ટિકમાંથી બનાવેલ થેલીઓ, થાળી-વાટકા, ગ્લાસ-કપ કે પાણીની બોટલનો ઉપયોગ કરીશું નહીં ઉપરાંત આસપાસના લોકોને એક જ વખત વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવવાનો સંકલ્પ પણ લેવાશે. ઘર, શાળા, ફળિયુ, શેરી અને બાગ-બગીચા જેવા જાહેર સ્થળો, ગામ, શહેર, રાજ્ય અને દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ પણ લેવડાવાશે. આ સંકલ્પ અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા અને પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવા માટે પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મન વચન અને કર્મથી હંમેશા પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ પણ કરવામાં આવશે.

પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબરના રોજ શાળાઓમાં નરસિંહ મહેતાનું ગાંધીજીને પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ નું સામૂહિક ગાન પણ શાળાઓમાં કરાવવામાં આવશે. ગાંધીજીના જીવનના પ્રસંગોનો વાર્તાલાપ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમના પરિણામે શાળાના બાળકો કે જેઓ આવતીકાલના નાગરિક છે તેઓ પણ ગાંધીજીના પ્રેરક વ્યક્તિત્વથી પ્રેરાશે. પર્યાવરણના જતન માટે પણ આ પ્રસંગે આયોજન કરાયું છે તે અંતર્ગત જે શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા બનાવવાની થતી હોય તેવી શાળાઓએ તા.૨ જી ઓક્ટોબરના રોજ પર્યાવરણ પ્રયોગશાળાની પણ શરૂઆત કરવાની રહેશે. (પૃષ્ઠ-૨ ઉપર ચાલુ)

(પૃષ્ઠ-૨)

સ્વરોજગારી અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ખાદી વસ્ત્ર પરિધાનને ખૂબ જ મહત્વ આપ્યું હતું. મહાત્મા ગાંધીજીની ખાદી વિચારધારાથી પ્રેરાઈને શિક્ષણ વિભાગે દર મંગળવારે શિક્ષકો દ્વારા ખાદી વસ્ત્ર પરિધાન કરવાનું આયોજન કરતા છેલ્લા ત્રણ વર્ષથી સ્વૈચ્છિક ધોરણે અનેક શિક્ષકો દ્વારા દર મંગળવારે ખાદીના વસ્ત્રો પરિધાન કરાય છે. ગાંધીજીની ખાદી વિચારધારાને પ્રોત્સાહિત કરવા ગાંધીજયંતી નિમિત્તે રાજ્યમાં દર વર્ષે શિક્ષકો દ્વારા ખાદી ખરીદવામાં આવતી હોય છે તે મુજબ ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા ખાદી ખરીદવામાં આવે તેની વ્યવસ્થા જે તે જિલ્લામાં ગોઠવી દેવાઈ છે. આ વ્યવસ્થા અંતર્ગત તા.૨ જી ઓક્ટોબરના રોજ જે તે જિલ્લા કે તાલુકા મથકે શિક્ષકો દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક વર્ષથી શિક્ષકો દ્વારા ખાદીની વ્યાપક પ્રમાણમાં ખરીદી થતા રાજ્યમાં ખાદીના વેચાણની કિંમતમાં પણ ધરખમ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની સમાપ્તિ દિવસની ઉજવણી કરવા આયોજીત કરાયેલ ઉપરોક્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તથા શાસનાધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે.
………………


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.